નેતાજી અને ઠાકરેજીને જન્મ જયંતિએ વડાપ્રધાને અર્પેલી ભવ્ય શ્રધ્ધાંજલિ
- નેતાજીની જન્મ જયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે : બાલા સાહેબ ઠાકરેજીએ ૧૯૬૬માં શિવસેનાની સ્થાપના કરી હતી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને શિવસેનાના સ્થાપક બાલા સાહેબ ઠાકરેજીને તેઓની જન્મ જયંતિ પ્રસંગે ભવ્ય શ્રધ્ધાંજલિ અર્પી હતી. આજે તે બે મહાન હસ્તિઓનો જન્મ દિન છે. નેતાજીની જન્મ જયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સાંજે લાલ કિલ્લામાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આજે નેતાજી સંબંધે લખાયેલા લેખો દુર્લભ તસ્વીરો અને દસ્તાવેજો પ્રદર્શિત કરાયા હતા. આ ઉપરાંત નેતાજીની આઝાદ હિન્દ ફોજની મલાયાથી મણિપુર સુધીની વિજય યાત્રા દર્શાવતા ફોટોગ્રાફી જેમની, વતન વતન કી રાહ મેં વતન વતન કે નૌ જવાં શહીદ હો જેવાં શૌર્ય ગીતો પણ દર્શાવવામાં આવશે.
આજે મહારાષ્ટ્રને પ્રખર હિન્દુવાદી નેતા અને વજ્ર પુરુષ બાલા સાહેબ ઠાકરેજીનો પણ જન્મ દિવસ છે. ૧૯૬૬માં તેઓએ શિવસેનાની સ્થાપના કરી હતી. જેનો મુખ્ય હેતુ હિન્દુત્વ અને હિન્દુઓનાં રક્ષણનો છે. બાલા સાહેબનાં નિધન પછી તેઓના પુત્ર ઉદ્ધવ ઠાકરે હવે પાર્ટીનો કમાન્ડ સંભાળી રહ્યા છે.
આશ્ચર્ય તો તે વાતનું છે કે, આવા મહાનવીર સુભાષબાબુની જન્મ જયંતિ સત્તાવાર રીતે ઉજવવાનો નિર્ણય ૨૦૨૧માં તે સમયની કેન્દ્રની ભાજપ સરકારે લીધો. તે પૂર્વે કોઈ કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે નેતાજીની જન્મ જયંતિ ઉજવવાનો નિર્ણય લીધો ન હતો. વડાપ્રધાન મોદીએ X પરના પોસ્ટમાં લખ્યું, પરાક્રમ દિવસ પર ભારતના નાગરિકોને શુભેચ્છાઓ. આજે નેતાજીના જીવન અને સાહસનું આપણે સન્માન કરીએ છીએ. દેશના સ્વાતંત્ર્ય માટે તેઓનું અતૂટ સમર્પણ આજે પણ પ્રેરિત કરી રહ્યું છે.
બાલા સાહેબને શ્રધ્ધાંજલિ અર્પતાં મોદીએ લખ્યું, પોતાના આદર્શો પોતાના નેતૃત્વ તથા સમર્પણ દ્વારા અમર બની રહેલા બાલાસાહેબ ગરીબો તથા દલિતો માટે બોલવા હંમેશા પ્રતિબધ્ધ રહેતા. તેઓ એક મહામાનવ હતા. તેઓની ગરીબો તથા દલિતો માટે બોલવાની પ્રતિબદ્ધતાને લીધે તેઓ આજે પણ અગણિત લોકોનાં મનમાં વસી રહ્યાં છે.