વડાપ્રધાનના વિશ્વાસુ અજિત દોવલે કતારમાં બંદીવાન નેવીના 8 પૂર્વ અધિકારીઓને છોડાવ્યા
- નરેન્દ્ર મોદીની અસામાન્ય રાજદ્વારી સિદ્ધી
- કતારના અમીર સાથેના મોદીના અંગત સંબંધો કામ કરી ગયા : આ કાર્યવાહીમાં વિદેશ મંત્રાલય અને વિદેશમંત્રી જયશંકરે મહત્વની ભૂમિકા ભજવી
નવી દિલ્હી : નૌકા દળના ૭ અધિકારીઓ અને એક ખલાસીની કતારની જેલમાંથી થયેલી મુકિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કતારના અમીર સાથેના અંગત સંબંધો કામ કરી ગયા. સાથે વડાપ્રધાનના વિશ્વાસુ, તેવા રાષ્ટ્રીય સલામતિ સલાહકાર અજિત દોવલના અથાક પ્રયાસો તેમજ વિદેશ મંત્રાલય તથા વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તે માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ અંગેની રાજદ્વારી કાર્યવાહી વિદેશ મંત્રીએ સંભાળી હતી, તો બીજી તરફ અજિત દોવલ દિલ્હી-દોહા વચ્ચે અનેક વખત આવન જાવન કર્યુ હતું. અને દોહા સ્થિત કતારના ઉચ્ચતમ અધિકારીઓને તે અંગે ભારતનું દ્રષ્ટિબિંદુ સમજાવવામાં સફળ રહ્યા હતા.
એ અધિકારીઓ ઇઝરાયલ વતી જાસૂસી કરે છે. તેવા આરોપસર તે સર્વેને ફાંસીની સજા કતારની કોર્ટે ફરમાવી હતી. પછી ભારતીય દૂતાવાસે વકીલ રોકી. ઉપલી કોર્ટમાં તે રાજા સામે અપીલ કરતાં દેહાંત દંડને બદલે ડિસેમ્બરમાં તે સજા કારાવાસમાં ફેરવવામાં આવી હતી.
તે પછી રાજદ્વારી ગતિવિધિ અત્યંત ઝડપી બનાવી હતી. દુબઈમાં યોજાયેલી કોપ-૨૮ શિખર મંત્રણા દરમિયાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સંબંધો તેમજ કતારમાં વસતા ભારતીયો વિષે પણ ચર્ચા કરી હતી. તે પછી આ આઠેય નૌસૈનિકોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. તે સમગ્ર પ્રક્રિયામાં વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય તે પણ છે કે, આ ગાળામાં અજિત દોવલે અનેક વખત દોહાની ગુપ્ત રીતે મુલાકાત પણ લીધી હતી.