Get The App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત ઐતિહાસિક બની રહેશે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત ઐતિહાસિક બની રહેશે 1 - image


યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થપાશે ?

પૂર્વે લીધેલી મોસ્કોની મુલાકાત પછી કીવની મુલાકાતનું મહત્વ અસામાન્ય છે ઃ યુ.એસ., યુરોપ અને દુનિયાભરની તેની ઉપર નજર છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે જવાના છે. ઓક્ટોબરની ૨૧થી ૨૩ સુધી યોજાનારી આ મુલાકાતો દરમિયાન પહેલી જ વાર ભારતના કોઈપણ વડાપ્રધાને લીધેલી યુક્રેનની આ મુલાકાત બની રહેશે. ૩૦ વર્ષ પૂર્વે ભારત અને યુક્રેન વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા તે ઉલ્લેખનીય છે.

સૌથી વધુ મહત્ત્વની વાત તો તે છે કે જૂન ૮-૯ દરમિયાન વડાપ્રધાને મોસ્કોની મુલાકાત લીધી હતી ત્યારે પશ્ચિમના દેશોએ મોદીની અત્યંત ટીકા કરી હતી. તે સમયે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે, સસ્તા દરે તેલ ખરીદીનો મુદ્દો રજૂ કરી તે ઉપર ઘડ વાળી દીધી હતી. ત્યારે ગુપ્ત કાર્યસૂચિ તે હતી કે થોડો સમય જવા દઇ યુક્રેનનો પણ ઊભરો, મોસ્કો મુલાકાત અંગેનો ઠરી જાય પછી કીમની મુલાકાત લઇ ઝેલેન્સ્કીને પણ તેમનું મમત્વ છોડી સરહદો અંગે બાંધછોડ કરવા સમજાવવાનો હશે અત્યારે પણ હશે તેમ નિરીક્ષકોનું કહેવું છે.

વડાપ્રધાનની વોર્સો મુલાકાત વિષે વિદેશ મંત્રાલય જણાવે છે કે મોદીનું ત્યાં રેડ કાર્પેટથી સેરીમોનિયલ વેલકમ આપવામાં આવ્યું હતુ.

તે પણ સર્વવિદિત છે કે રશિયા અને  પોલેન્ડ વચ્ચે તો સદીઓ જૂના વૈમનસ્ય રહેલાં છે. વડાપ્રધાન મોદીએ, વોર્સોની મુલાકાત દરમિયાન પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મંત્રણા કરી હતી. તેઓએ પોલેન્ડના પ્રમુખ એન્ડરેઝ સેબાસ્ટિએન દુદા સાથે પણ મંત્રણા કરી હતી. તે પછી તેઓ વોર્સોમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા.

સહજ છે કે બંને દેશો વચ્ચે વ્યાપાર વિનિમય તેમજ રાજદ્વારી સંબંધો મજબૂત કરવા ઉપરાંત, યુ.એન. પશ્ચિમ તથા ઔદ્યોગિક સંબંધો વધારવા અને પોલેન્ડની ઔદ્યોગિક તજજ્ઞાતાને ભારતમાં વિકસાવવા વિષે ચર્ચા થઇ જ હોય. પરંતુ, સૌથી વધુ ધ્યાન તો, યુક્રેન-યુદ્ધ ઉપર આપવામાં આવ્યું હતું, અને તેમાં શાંતિ સ્થાપવા માટેનાં પગલાં લેવા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરાયું હતું.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીમાં યોજાયેલી જી-૭ પરિષદ સમયે મળ્યા હતા. મોદીની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત અંગે પોલેન્ડનાં દૂતાવાસના ઉપ રાજદૂત (ચાર્જ દે અફેર્સ) સેબાસ્ટિયન ડોમઝેલેસ્કીએ પત્રકારોને જણાવ્યું હતું કે, પોલેન્ડ ઉપરાંત અમારાં પાડોશી રાષ્ટ્ર યુક્રેન કે જેની ભૂમિ તે રશિયાનાં ગેરકાયદે આક્રમણ સામે રક્ષી રહ્યું છે, તેની પણ મોદી મુલાકાત લેવાના છે તેથી અમે ઘણા જ ખુશ છીએ.

ઉલ્લેખનીય છે કે ૧૯૭૯માં ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ પોલેન્ડની મુલાકાત લીધી હતી. તે પછી ૪૫ વર્ષે પોલેન્ડની મુલાકાત લેનાર મોદી પહેલા વડાપ્રધાન બનશે. ૭૦ વર્ષ પૂર્વે ભારત અને પોલેન્ડ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા તેની જયંતિ સમયે મોદીની પોલેન્ડની મુલાકાત નોંધનીય બની રહેવાની છે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ સહકાર ઉપરાંત આઈ.ટી. ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સહકાર સ્થાપવા વિષે પણ પોલેન્ડના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

પોલેન્ડ મધ્ય યુરોપમાં મહત્વનાં સ્થાને છે. યુરોપીય સંઘમાં તે ૬ઠ્ઠી સૌથી વધુ ઇકોનોમી ધરાવે છે. ભારત પોલેન્ડ વચ્ચે ૬ અબજ ડોલરનો વ્યાપાર ચાલે છે. ભારતે ત્યાં ૩ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. પોલેન્ડે ૧ અબજ ડોલરનું ભારતમાં રોકાણ કર્યું છે.

મોદી વૉર્સોથી કીમ જવાના છે. એક સમયે મોદીની મોસ્કોની મુલાકાતને ઝેલેન્સ્કીએ હતાશાજનક કહી હતી. પરંતુ ઇટાલીમાં યોજાયેલી જી-૭ દેશોથી પરિષદમાં આમંત્રિત તરીકે રહેવા મોદી અને ઝેલેન્સ્કી બંને પરસ્પરને મળ્યા ત્યારથી ઝેલેન્સ્કીનો અભિગમ બદલાઈ ગયો છે. યુક્રેનને ભારત તમામ માનવીય સહાય આપે છે. છતાં રશિયા-યુક્રેન બંને સાથેના સંબંધો ભારત માટે ટાઇટ રોપ વૉકીંગ છે. પરંતુ મોદી તે પાર કરી શકશે તે નિર્વિવાદ લાગે છે.



Google NewsGoogle News