43 વર્ષ બાદ કોઈ ભારતીય PM પહેલીવાર કુવૈતની મુલાકાતે જશે, PM મોદી કરશે નવા યુગની શરૂઆત
PM Modi Tour Kuwait News | વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. PM મોદી શનિવારે કુવૈતની મુલાકાત માટે રવાના થશે. જ્યારે 22 ડિસેમ્બરે તેઓ કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે અલગ-અલગ બેઠકો કરશે. પછી એ જ દિવસે સાંજે તે વતન પરત ફરશે. આ દરમિયાન મોદી કુવૈતમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરવાના છે.
કુવૈતમાં 10 લાખ ભારતીયો
હાલમાં કુવૈતમાં 10 લાખ ભારતીયો રહે છે, જે ત્યાં રહેતા વિદેશી નાગરિકો પૈકી સૌથી વધુ છે. 43 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ કુવૈતની મુલાકાત લેવાના છે. 1990માં જ્યારે ઈરાકે કુવૈત પર હુમલો કર્યો ત્યારે ભારતે તેની ટીકા કરી ન હતી. જેના કારણે કુવૈત સાથેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો અને લાંબા સમય સુધી બંને દેશો વચ્ચે રાજકીય વાર્તાલાપ ઠપ થઈ ગયો હતો.
કયા મુદ્દાઓ પર ચર્ચા થશે
વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે પીએમ મોદીની મુલાકાત દરમિયાન ઉર્જા, હાઈડ્રોકાર્બન અને વ્યાપારી સંબંધોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થશે. સ્થાનિક ચલણમાં વેપાર કરવો એ પણ એક મોટો મુદ્દો હશે. પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે કુવૈત હવે કાઉન્સિલ ઓફ ગલ્ફ કન્ટ્રીઝનું અધ્યક્ષ બનવા જઈ રહ્યું છે. ભારત તેમની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા ઇચ્છે છે.