Get The App

નહેરુ-ઈન્દિરા બાદ પહેલીવાર કોઈ ભારતીય PM આ દેશના પ્રવાસે, ચાન્સેલરે મોદી સાથે સેલ્ફી લીધી

પ્રવાસી ભારતીયો દ્વારા ત્યાં પણ 'વંદે માતરમ' સાથે ભવ્ય સ્વાગત કરાયું

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
નહેરુ-ઈન્દિરા બાદ પહેલીવાર કોઈ ભારતીય PM આ દેશના પ્રવાસે, ચાન્સેલરે મોદી સાથે સેલ્ફી લીધી 1 - image


PM Modi in Austria | રશિયાનો પ્રવાસ ખતમ કરી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપીયન દેશમાં વડાપ્રધાન મોદીનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાન્ડર શાલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

ઓસ્ટ્રિયાના વિદેશમંત્રીએ કરી ટ્વિટ 

પીએમ મોદીનું સ્વાગત કર્યા બાદ એલેક્ઝાન્ડર શાલેનબર્ગે ટ્વિટ ક કે ર્યું, 'ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત બદલ હાર્દિક સ્વાગત છે. આપણા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે. બંને દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે.

વંદે માતરમ સાથે સ્વાગત કરાયું 

એરપોર્ટથી પીએમ મોદી સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા હતા. અહીં પ્રવાસી ભારતીયોએ તેમનું અભિવાદન કર્યું હતું. હોટેલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરી

ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે. ઓસ્ટ્રિયા અને ભારત મિત્ર દેશો અને ભાગીદાર છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!'

'...આ મિત્રતા વધુ મજબૂત બનશે'

ચાન્સેલર કાર્લ નેહમરના ટ્વીટને રીટ્વીટ કરતા પીએમ મોદીએ કહ્યું, 'ચાન્સેલર કાર્લ નેહમર, તમને વિયેનામાં મળીને આનંદ થયો. ભારત-ઓસ્ટ્રિયાની મિત્રતા મજબૂત છે અને આવનારા સમયમાં તે વધુ મજબૂત બનશે. તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. હું અમારી ચર્ચાઓ માટે આતુર છું. આપણા દેશો વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરતા રહેશે.

ઈન્દિરા ગાંધી 1983માં ઓસ્ટ્રિયા ગયા હતા

આ 41 વર્ષ પછી છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. આ પહેલા છેલ્લી મુલાકાત 1983માં થઈ હતી. તે સમયે ઈન્દિરા ગાંધી ભારતીય પીએમ તરીકે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1971માં તે પ્રથમ વખત ઓસ્ટ્રિયા ગયા હતા. એના પછી 1980 માં તત્કાલિન ઓસ્ટ્રિયાના ચાન્સેલર બ્રુનો ક્રેઇસ્કી ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ  1983માં ઈન્દિરા ગાંધીએ ફરી એકવાર ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી, જેના પગલે 1984માં ઑસ્ટ્રિયાના તત્કાલીન ચાન્સેલર ફ્રેડ સિનોવિટ્ઝે ભારતની મુલાકાત લીધી.

નેહરુએ ઓસ્ટ્રિયાની પ્રથમ મુલાકાત લીધી હતી

1949માં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ઓસ્ટ્રિયા પહોંચનાર પ્રથમ વડાપ્રધાનની વાત કરીએ તો જવાહરલાલ નેહરુએ 1955માં પીએમ તરીકે ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે નેતાઓ, મંત્રીઓ અને સંસદસભ્યોના સ્તરે અવારનવાર મુલાકાતો થતી રહે છે, પરંતુ ભારતમાંથી વડાપ્રધાનના સ્તરે આ ત્રીજી મુલાકાત છે.


Google NewsGoogle News