18 પ્રકારના કારીગરોને 3 લાખની લોન, પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ, જાણો કોને-કોને મળશે લાભ

આ યોજના હેઠળ લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકિટ પ્રોત્સાહન તરીકે અપાશે

આ યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ ટકા વ્યાજના રાહત દરે એકથી બે લાખ રૂપિયાની લોન પણ અપાશે

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
18 પ્રકારના કારીગરોને 3 લાખની લોન, પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ, જાણો કોને-કોને મળશે લાભ 1 - image

image : Pixabay 


કેન્દ્ર સરકારે વિશ્વકર્મા જયંતિના અવસરે કારીગરો અને શિલ્પકારોના પરંપરાગત કૌશલ્યને વધારવા પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી. વડાપ્રધાનના હસ્તે આ યોજનાનું ઉદઘાટન થયું. દિલ્હીના દ્વારકા સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સપો સેન્ટર (IICC) માં આ યોજનાની શરૂઆત કરાઈ હતી. 

બજેટમાં કરી હતી જાહેરાત 

કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજનાને શરૂ કરવાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. આ યોજના માટે નાણાકીય વર્ષ 2023-24 થી નાણાકીય વર્ષ 2027-28 સુધી નાણાકીય ખર્ચનો અંદાજ 13,000 કરોડ નક્કી કરાયો છે. 

યોજનાનો ઉદ્દેશ્ય શું ? 

આ યોજનાનો ઉદ્દેશ્ય હાથ અને સાધનો વડે કામ કરનારા કારીગરો અને શિલ્પકારો માટે પરંપરાગત સ્કિલના અભ્યાસને પ્રોત્સાહન આપવા, મજબૂત કરવા અને ગુણવત્તા સાથે સાથે તેમના ઉત્પાદનો અને સેવાઓની પહોંચમાં સુધારો કરવાનો પણ છે.  યોજના હેઠળ વિશ્વકર્મા (કારીગરો તથા શિલ્પકારો) ને બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને સામાન્ય સેવા કેન્દ્રના માધ્યમથી મફત રજિસ્ટર્ડ કરાશે. તેમને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખપત્રના માધ્યમથી માન્યતા અપાશે અને સ્કિલ વધારવા માટે પાયાની અને આધુનિક ટ્રેનિંગ અપાશે. 

15000 રૂપિયાની ટૂલકિટ અપાશે 

આ યોજના હેઠળ લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકિટ પ્રોત્સાહન તરીકે અપાશે. પીએમઓેએ કહ્યું કે આ યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ ટકા વ્યાજના રાહત દરે એકથી બે લાખ રૂપિયાની લોન પણ અપાશે. આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોના કારીગરો અને શિલ્પકારોને મદદરૂપ થશે. 

18 પ્રકારના પરંપરાગત કારીગરોને આવરી લેવાશે 

પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પ્રકારના પરંપરાગત કારીગરોને આવરી લેવાશે. તેમાં સુથાર, સોની, શસ્ત્ર બનાવનાર, લુહાર, હથોડી અને ટૂલકીટ બનાવનાર, તાળા બનાવનાર, બોટ બનાવનાર, કુંભાર, શિલ્પકાર (પથ્થર કોતરનાર), પથ્થર તોડનારા, જૂતા બનાવનારા/ચંપલના કારીગરો, ચણતર, ટોપલી/ચટાઈ/સાવરણી બનાવનારા, ઢીંગલી અને રમકડા બનાવનારા (પરંપરાગત), વાળંદ, માળા બનાવનારા, ધોબીઓ, દરજીઓ અને માછીમારીની જાળ બનાવનારાઓ સામેલ છે.


Google NewsGoogle News