કોંગ્રેસની ડેકોઇટીઓ તો મશહૂર છે : કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલા 350 કરોડ અંગે વડાપ્રધાન મોદીનો કટાક્ષ
- પોપ્યુલર સીરીઝ મની હીસ્ટનું ઉદાહરણ આપતાં તેઓએ કહ્યું તે સીરીઝની જરૂર જ નથી જ્યારે આપણી પાસે લૂંટ કરનારી કોંગ્રેસ છે જ
નવી દિલ્હી : કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનાં વિવિધ સ્થાનો પર આવક વેરા વિભાગની રેડ આજે છઠ્ઠા દીવસે પણ ચાલુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ્યુલર સીરીઝ મની હીસ્ટનું ઉદાહરણ આપતાં કોંગ્રેસ ઉપર ભારે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આપણે તે સીરીઝની જરૂર જ નથી, જ્યારે આપણી પાસે ૭૦-૭૦ વર્ષથી લૂંટ કરનારી કોંગ્રેસ છે. વડાપ્રધાને આ કટાક્ષ ભાજપના વિડીયો સાથે શેર કર્યો હતો.
તે સર્વવિદિત છે કે હજી સુધીમાં ધીરજ સાહુનાં સ્થળોએથી રૂ. ૩૫૦ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ મળી છે. ઉપરાંત સોનાની ૪૦ લગડીઓ તથા હીરા-મોતીની જ્વેલરી પણ મળ્યાં છે.
પી.એમ.મોદીએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ઠ ઉપર ભાજપે પોસ્ટ કરેલો વિડીયો શેર કર્યો છે. તેઓએ લખ્યું ભારતને કોઈ કાલ્પનિક મની હીસ્ટની જરૂર જ નથી જ્યારે આપણી પાસે ૭૦-૭૦ વર્ષથી લૂંટ કરનારી કોંગ્રેસ છે.
મની હીસ્ટ તે લોકપ્રિય OTT પ્લેટફોર્મ નેટ ફ્લિક્સ પરની લોકપ્રિય સીરીઝ છે, જેમાં કેટલાક ગઠીયાઓ છળ કપટથી ભારે લૂંટ ચલાવતા દર્શાવવામાં આવ્યા છે.
આવક વેરા વિભાગે ધીરજ સાહુનાં વિવિધ સ્થળોએ બોલનગીર, સંભલપુર અને તિતલા ગઢમાં પાડેલા દરોડાઓમાં આ રકમ અને આટલું ઝવેરાત મળી આવ્યું છે. આ અંગે આવકવેરા વિભાગે જ કહ્યું હતું કે આટલી બધી રકમ તો તેણે ઇતિહાસમાં પહેલી વાર પ્રાપ્ત કરી છે.