પીએમ મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ફોન પર કરી વાત, યુદ્ધ સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

બંને નેતાઓએ સંપર્કમાં રહેવા સંમત થયા

7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના ભયાનક હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હતું

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
પીએમ મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ફોન પર કરી વાત, યુદ્ધ સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા 1 - image


Israel-Hamas conflict: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે આજે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેતન્યાહૂને માનવતાવાદી સહાયતા અને વાતચીત તથા કૂટનીતિ દ્વારા ઈઝરાયેલ-હમાસ વચ્ચે સમાધાન કરવા કહ્યું હતું.   

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી આપેલા એક નિવેદન અનુસાર, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી હતી અને જેમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં હાલની સ્થિતિ વિશે માહિતી આપી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ દરિયાઈ યાતાયાતની સુરક્ષાના સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ સંપર્કમાં રહેવા સંમત થયા

PMO અનુસાર,'પ્રધાનમંત્રીએ પ્રભાવિત લોકોને સતત માનવતાવાદી સહાયની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને સંવાદ અને કૂચનીતિના માધ્યમથી તમામ બંધકોને મુક્ત કરવા સહિત યુદ્ધ તાત્કાલિક ધોરણે અને શાંતિપૂર્ણ સમાધાન કરવા પર ભાર મૂક્યો હતો.' બંને નેતાઓએ સંપર્કમાં રહેવા સંમત થયા હતાં.

પીએમ મોદીએ શું કહ્યું...

પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર એક પોસ્ટ કરીને કહ્યું કે,'ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ પર વિચારોનું સાર્થક આદાન-પ્રદાન થયું, જેમાં દરિયાઈ યાતાયાતની સુરક્ષા પર સહિયારી ચિંતાઓ પણ સામેલ હતી.'

યુદ્ધ ક્યારે શરૂ થયું

7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના ભયાનક હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હતું. આમાં અત્યાર સુધીમાં લગભગ 20,000 પેલેસ્ટિનિયોના મોત થયા છે, જ્યારે લગભગ 19 લાખ લોકો બેઘર થયા છે. ઈઝરાયેલે મંગળવારે દક્ષિણ ગાઝાને નિશાન બનાવીને ત્યા હુમલો કર્યો હતો. જેમાં 28 પેલેસ્ટિનિયનનાં મોત થયા. ઈઝરાયેલે ગાઝાના ઉત્તર ભાગમાં આવેલી એકમાત્ર ઓપરેટિંગ હોસ્પિટલમાં પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


Google NewsGoogle News