વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ટેમ્પો બિલિયોનર્સ'ના 'કઠપુતળી રાજા', રાહુલ ગાંધીના આકરા પ્રહાર
કાળુ નાણું મોકલનારા અદાણી, અંબાણી સામે પગલાં કેમ નહીં : ખડગે
Lok Sabha Elections 2024 | કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને 'ટેમ્પો બિલિયોનર્સ'ના 'કઠપુતળી રાજા' ગણાવ્યા હતા. આ સાથે તેમણે અદાણી-અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને કાળુ નાણું મોકલ્યું હોવાના નરેન્દ્ર મોદીના આક્ષેપો પર વળતો હુમલો કર્યો હતો. બીજીબાજુ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને પાકિસ્તાનના ટૂકડા કરી દેનારા દિવંગત પીએમ ઈન્દિરા ગાંધી પાસેથી શિખવાની સલાહ આપી હતી.
દેશના ટોચના ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને કાળુ નાણું આપ્યું હોવાનો પીએમ મોદીએ સવાલ કર્યો હતો ત્યારે હવે રાહુલ ગાંધી તેમના પર વળતો હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી. તેઓ રાજા છે. તેઓ 'ટેમ્પો બિલિયોનર્સ'ના હાથમાં દોર હોય તેવા 'કઠપૂતળી રાજા' છે. વધુમાં લખનઉમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ફરી એક વખત કહ્યું હતું કે, મોદીજી એક રાજા છે. પ્મને કેબિનેટ, સંસદ અથવા બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ ૨૧મી સદીના રાજા છે. તેઓ સાચી સત્તા જેમના હાથમાં છે તેવા અબજોપતિની કઠપૂતળી છે.
દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે પીએમ મોદીના ચૂંટણી ભાષણોને ખોખલી વાતો ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે મોદી રાજકારણનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા માટે કરી રહ્યા છે. તેમણે પીએમ મોદીને બહાદુરી, સાહસ અને દૃઢ સંકલ્પ ઈન્દિરા ગાંધી પાસેથી શીખવાની સલાહ આપી હતી. નંદુરબાર લોકસભા બેઠક પર એક રેલીને સંબોધન કરતા પ્રિયંકાએ કહ્યું કે, ઈન્દિરા ગાંધી દુર્ગા જેવાં મહિલા હતા, જેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા. પરંતુ તેઓ તેમને રાષ્ટ્ર વિરોધી ગણાવે છે. મોદી તેમની પાસેથી કશું શીખી શકે તેમ નથી.
બીજીબાજુ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ અદાણી-અંબાણી વિવાદમાં કુદાવ્યું હતું. ખડગેએ બિહારના સમસ્તિપુરમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ સૌથી જૂના પક્ષ કોંગ્રેસને કાળા નાણાં આપ્યા હોય તો મોદી સરકાર તેમની સામે પગલાં શા માટે નથી લેતી ?