વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા અનાજ ગોદામ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
- યોજના પાછળ રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ કરાશે
- દેશમાં ગોદામોના બાંધકામથી સહકારી ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં 700 લાખ ટન સ્ટોરેજ ક્ષમતા ઊભી કરાશે : મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરનેદ્ર મોદીએ શનિવારે રૂ. ૧.૨૫ લાખ કરોડથી વધુના રોકાણથી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. પીએમ મોદીએ દુનિયાના સૌથી મોટા અનાજ ગોદામના પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે ૧૧ રાજ્યોમાં પ્રાથમિક કૃષિ ઋણ સમિતિઓ (પીએસીએસ)માં અનાજના સંગ્રહ માટે ૧૧ ગોદામોનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ તેમણે ગોદામો અને અન્ય કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખાના નિર્માણ માટે દેશભરમાં વધારાના ૫૦૦ની પીએસીએસનો શિલાન્યાસ કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહકારી ક્ષેત્ર સંબંધિત અનેક પહેલોનો શુભારંભ કર્યો. વડાપ્રધાને વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજનાના પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે ૧૧ રાજ્યોની પ્રાથમિક કૃષિ ઋણ સમિતિઓમાં અનાજના સંગ્રહ માટે ૧૧ ગોદામોનું ઉદ્ધાટન કર્યું હતું. આ યોજના હેઠળ દેશમાં હજારો ગોદામો અને વેરહાઉસીસના બાંધકામ દ્વારા સહકારી ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં ૭૦૦ લાખ ટનની સ્ટોરેજ ક્ષમતા ઊભી કરાશે. નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે અમે અમાણા ખેડૂતો માટે દુનિયાની સૌથી મોટી સ્ટોરેજ સ્કીમ શરૂ કરી છે. તેના હેઠળ દેશના ખૂણે ખૂણામાં હજારો વેરહાઉસ બનાવાશે, હજારો ગોદામ બનાવાશે. આજે ૧૮,૦૦૦ પીએસીએસના કમ્પ્યુટરાઈઝેશનનું મોટું કામ પણ પૂરું થયું છે. આ બધા જ કામ દેશમાં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવો પ્રસાર કરશે અને કૃષિને આધુનિક ટેક્નોલોજી સાથે જોડશે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો આશય પીએસીએસ ગોદામોને ખાદ્યાન્ન પૂરવઠા શ્રેણીમાં જોડીને ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાનો છે. દેશમાં સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે ખેડૂતોએ નુકસાન કરીને પણ તેમની ઊપજ વેચવાની ફરજ પડે છે. અગાઉની સરકારોએ આ સમસ્યા પર ક્યારેય પર્યાપ્ત ધ્યાન આપ્યું નહોતું. વિશ્વના સૌથી મોટા અનાજ સંગ્રહ કાર્યક્રમ હેઠળ આગામી પાંચ વર્ષમાં ૭૦૦ લાખ ટન સ્ટોરેજ ક્ષમતા વિકસાવાશે. આ પહેલ પાછળ રૂ. ૧.૨૫ લાખ કરોડથી વધુનું રોકાણ કરાશે.
તેમણે ઉમેર્યું કે, આ યોજનાથી ખેડૂતો તેમની ઉપજ તેમની જરૂરિયાત મુજબ સ્ટોરેજમાં સ્ટોર કરી શકશે. તેમણે બેન્કો પાસેથી લોન લેવામાં પણ સરળતા રહેશે અને તેઓ યોગ્ય સમયે તેમના ઉત્પાદન બજારમાં વેચી શકશે. વડાપ્રધાને સહકારી ક્ષેત્રથી ભારતને ખાદ્ય તેલો અને ખાતર સહિત કૃષિ ઉત્પાદનો પર આયાત નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવા આગ્રહ કર્યો છે.
તેમણે સહકારથી સમૃદ્ધિ હેઠળ સહકારી ક્ષેત્રના વિકાસ માટે છેલ્લા ૧૦ વર્ષમાં સરકાર દ્વારા કરાયેલા કામો અને વિશેષરૂપે અલગ સહકારિતા મંત્રાલય બનાવવા અંગે પણ જણાવ્યું હતું. વડાપ્રધાને સહકારી સમિતિઓમાં ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું કે, તેનાથી સહકારી આંદોલનમાં લોકોની ભાગીદારી વધશે.
કૃષિ ઉત્પાદ સંગઠન એટલે કે એફપીઓનું ઉદાહરણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એફપીઓના માધ્યમથી આજે ગામના નાના ખેડૂતો પણ ઉદ્યોગપતિ બની રહ્યા છે. પોતાના ઉત્પાદનોની વિદેશ સુધી નિકાસ કરે છે. દેશમાં ૧૦,૦૦૦ એફપીઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. અલગ સહકારિતા મંત્રાલય હોવાના કારણે દેશમાં ૮ હજાર એફપીઓની રચના થઈ ચૂકી છે. સહકારિતા મંત્રાલયનો લાભ હવે પશુપાલકો અને મત્સ્ય પાલોક સુધી પણ પહોંચી રહ્યો છે.