વડાપ્રધાન મોદીએ બે દિવસની ભૂતાન યાત્રા દરમિયાન રાજકુમારો સાથે રમતનો આનંદ લીધો
મહારાજા પોતે મોદીને વળાવવા એરપોર્ટ ગયા
હીઝ મેજેષ્ટી કીંગ જીગ્મે-ખેસર-નામગ્યાલ વાંગચુકે લિંગકાના પેલેસમાં ખાસ ડીનર યોજયું
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'લવ-ડીપ્લોમસી'નો કોઈ જવાબ નથી. ચૂંટણી પ્રચારની અસામાન્ય વ્યસ્તતા વચ્ચે પણ તેઓએ ૨૨-૨૩ માર્ચે બે દિવસનો ભૂતાનનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન મહારાજા જિગ્મે-ખેસર-નામગ્યાલ-વાંગચૂકે લિંગ-કાના પેલેસમાં વડાપ્રધાન મોદી માટે અંગત શાહી ભોજન સમારંભ યોજયો હતો. આ રાત્રિ ભોજનમાં સમગ્ર રાજકુટુમ્બ ઉપસ્થિત હતું. તેમાં મહારાજાના રાજકુમારો પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન મોદીએ રાજધાની થિમ્પુનાં વિકાસ કાર્યો માટે રૂા. ૧૦,૦૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી.
તેઓએ તેમનાં ઠ પોસ્ટ ઉપર લખ્યું કે, 'દિલ્હી પરત જતાં સમયે વિમાન ગૃહે મહામહીમ ભૂતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ, વાંગચૂક પોતે મને વિદાય આપવા વિમાન ગૃહ સુધી આવ્યા તેથી હું તેઓશ્વનો અત્યંત આભારી છું. મારી યાત્રા દરમિયાન વડાપ્રધાન, શેરિંગ ટોબગે અને ભૂતાનના અન્ય વિશિષ્ટ લોકો સાથે વાતચીત કરવાની તક મળી. ભૂતાનના લોકોના અદ્ભૂત આતિથ્ય માટે હું તેઓનો આભારી છું.' મને, ઓર્ડર-ઓફ-ધ ડ્રૂક ગ્લાલપોથી સન્માનિત કરવા માટે પણ આભારી છું. ભારત ભૂતાન માટે હંમેશાં એક વિશ્વસનીય મિત્ર બની રહેશે. ભાગીદાર બની રહેશે.
આટલું જ નહીં પરંતુ વડાપ્રધાને રાજકુમારો સાથે રમતનો આનંદ લીધો. તેઓએ રાજકુમારોને તેમની વય-અનુરૂપ રમકડાં પણ આપ્યાં. તસ્વીરમાં યુવરાજથી નાના મહારાજ કુમાર સાથે તેઓ (મોદી) રમત રમતા દેખાય છે. તેમાં મહારાજકુમાર (નાનો પુત્ર) તો તેને મળેલો બોલ જોઈ ખુશી ખુશી થઈ જતો દેખાય છે. આમ મોદીની લવ-ડીપ્લોમસી ખરેખર કામ કરી ગઈ છે. મોદીએ બંને રાજકુમારો સાથે તસ્વીર પણ ખેંચાવી. આમ વડાપ્રધાન ભૂતાનનાં રાજકુટુમ્બ સાથે એકરૂપ થઈ રહ્યાં.
બીજી તરફ ભૂતાનના વડાપ્રધાને તેઓનાં ઠ પોસ્ટ ઉપર લખ્યું ઃ ''અમારે ત્યાં આવવા માટે મારા મોટાભાઈ નરેન્દ્ર મોદીજીને ઘણા ઘણા ધન્યવાદ. આટલો વ્યસ્ત કાર્યક્રમ કે ખરાબ હવામાન પણ અમારા દેશની યાત્રા કરવાનું વચન પૂરૂં કરવામાં અવરોધક ન બની શક્યા.''
મોદીની આ લવ-ડીપ્લોમસીથી સહજ રીતે જ ચીનના પેટમાં તેલ રેડાયું છે. તેણે તો ભારત ભૂતાન અને ચીનના ત્રિભેટે રહેલી દોકલામ-ખીણમાં ભૂતાન તરફની જમીન પચાવી પાડી છે. ભારત સાથે તે ચાળો કરવા જતાં તેને મોઢાંની ખાવી પડે છે. ચીનની મુસાફરીએ ગયેલા નેપાળના વડાપ્રધાનને ખાલી હાથે પાછાં ફરવું પડયું છે તેથી તે ફરી ભારત તરફી બની રહ્યું છે.