ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક જીત પર વડાપ્રધાન મોદીએ આપેલાં અભિનંદન
- ભારતના વડાપ્રધાને વિશ્વ શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક સમૃદ્ધિ વધારવા સાથે મળી કામ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં બુધવારે રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પની જીત સુનિશ્ચિત થતાં તેઓને અભિનંદનો આપ્યાં હતાં અને વિશ્વ શાંતિ, સ્થિરતા તથા વૈશ્વિક સમૃદ્ધિ વધારવા માટે સાથે મળી કામ કરવા વચન આપ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે બહુમતી માટેનો ૨૭૦નો આંક મેળવી લેશે તે નિશ્ચિત છે. હવે તે નિશ્ચિત થઇ ગયું છે કે અમેરિકાના હવેના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતા ઠ પર મોકલેલા સંદેશામાં નરેન્દ્ર મોદીએ કેટલાયે ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. તેઓએ ટ્વિટ કરતાં લખ્યું મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ તમોને હાર્દિક અભિનંદનો... આપની ઐતિહાસિક જીત અંગે.
વડા પ્રધાને વધુમાં લખ્યું : જેમ આપે આપના ગત કાર્યકાળમાં સફળતાઓ મેળવી હતી તેવી સફળતાઓ આગળ વધારશો. હું ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક અને રણનીતિક ભાગીદારી વધુ મજબૂત કરવા માટે આપનો સહયોગ ફરી શરૂ કરવા ઉત્સુક છું. આવો આપણે સાથે મળી આપણા લોકોનાં હિત માટે તેમજ વૈશ્વિક શાંતિ, સ્થિરતા તથા સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરીએ.
વડા પ્રધાન મોદીના આ સંદેશાના જવાબમાં ડૉનાલ્ડ ટ્રમ્પે લખ્યું : 'તમારા જેવો મિત્ર ક્યાં મળી શકશે ?'
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ, મતગણનામાં પ્રારંભથી જ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસથી આગળ રહ્યા હતા. એસોસિએટેડ પ્રેસ દ્વારા પ્રાપ્ત કરાયેલા આંકડા પ્રમાણે ટ્રમ્પને ૨૩૦ નિર્વાચક મંડલ મત મળ્યા છે, જ્યારે હેરિસને ૨૦૫ મત મળ્યા છે. કુલ ૫૩૮ મત માંથી જે ઉમેદવારને ૨૭૦ કે તેથી વધુ મત મળે તે વિજયી ગણાય છે. પરંતુ જે રીતે ગણતરી આગળ વધી રહી છે તે જોતાં ટ્રમ્પ ૨૭૦થી વધુ મત મેળવી જશે તે સ્પષ્ટ લાગે છે.
વાસ્તવમાં ટ્રમ્પનું અમેરિકા ફર્સ્ટનું ટ્રમ્પ કાર્ડ વિજયી બન્યું છે તેમ નિશ્ચિત લાગે છે.