અનંત અંબાણીની ઘડિયાળની કિંમત જાણીને વિશ્વાસ નહીં આવે, જેને જોઈને ઝકરબર્ગની પત્ની પણ ચોંકી હતી
અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે
તેમજ સોશિયલ મીડિયા પર તેમની ઘડિયાળના પણ ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે
Anant Ambani Watch: એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. બંનેનો પ્રિ-વેડિંગ સમારોહ હાલમાં જામનગરમાં યોજાયો હતો, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ, ખેલજગતથી લઈને મોટા રાજકારણીઓએ પણ જામનગરમાં આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન મેટાના સીઈઓ અને તેમના પત્નીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને અચંબિત થયા હતા. જાણીએ માર્કેટમાં આ ઘડિયાળની કિંમત અને કઈ કંપની તેને બનાવે છે.
કંપની 2001માં બજારમાં આવી
રિચર્ડ મિલ કંપની 2001માં બજારમાં આવી હતી. ત્યારબાદ 2022માં જ તેની આવક 1.5 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ હતી. છેલ્લા બે દાયકામાં આ બ્રાન્ડે સ્વિસ ઘડિયાળ ઉદ્યોગમાં બેજોડ સફળતા મેળવી છે. રિચર્ડ મિલ કંપનીના કો-ફાઉન્ડર રિચર્ડ મિલે 1970ના દાયકામાં ફ્રેન્ચ ઘડિયાળ નિર્માતા કંપની સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ડોમિનિક સાથે પોતાની કંપની બનાવી અને 2001માં તેની પ્રથમ ઘડિયાળ RM 001 Troubillon લોન્ચ કરી. તે સમયે આ ઘડિયાળની કિંમત 135,000 ડોલર હતી.
કંપની એક વર્ષમાં માત્ર 5,300 ઘડિયાળો બનાવે છે
રિચર્ડ મિલ બ્રાન્ડની ઘડિયાળો વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળોમાંથી એક છે. આ કંપની એક વર્ષમાં માત્ર 5,300 ઘડિયાળો બનાવે છે, જેની સરેરાશ કિંમત $250,000 છે. આ ઘડિયાળો પોતાની અલગ ડિઝાઈનને કારણે ઘડિયાળોની દુનિયામાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. મળતી માહિતી મુજબ, આ ઘડિયાળ ટાઇટેનિયમ અને કાર્બન ફાઇબરમાંથી બનાવવામાં આવી છે. પ્રિ-વેડીગમાં અનંત અંબાણી રિચાર્ડ મિલ RM 56-02 પહેરેલા જોવા મળ્યા હતા. જેના વિશ્વભરમાં માત્ર 10 મોડલ અસ્તિત્વમાં છે. જેની કિંમત $2.2 મિલિયન એટલે કે આશરે રૂ. 18.2 કરોડ (ટેક્સ સિવાય)ની છે.
રિચાર્ડ મિલ ઘડિયાળો આટલી મોંઘી કેમ?
એક જ નીલમ કેસ બનાવવા માટે સતત 40 દિવસની મશિનિંગની જરૂર પડે છે, ત્યારબાદ મૂવમેન્ટ બ્રિજ માટે વધારાના 400 કલાકનો સમય લાગે છે. આ સિવાય રિચાર્ડ મિલના સિગ્નેચર ટોન્યુ-આકારના કેસ અન્ય આકારના કેસ બનાવવા કરતા વધુ પડકારજનક છે. આ ઉપરાંત રિચાર્ડ મિલની ઘડિયાળોમાં પ્લેટિનમ અને ગોલ્ડ જેવી પરંપરાગત ઉચ્ચ ધાતુના બદલે કાર્બન નેનોટ્યુબ્સ, ગોલ્ડ-ઇન્ફ્યુઝ્ડ કાર્બન અને ક્વાર્ટઝ જેવા નવીન પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સામગ્રીઓમાં નિપુણતા મેળવવા માટે નાણાકીય અને રિસર્ચ બાબતે નોંધપાત્ર રોકાણની જરૂરી બની રહે છે. જેના કારણે આ ઘડિયાળ આટલી મોંઘી બને છે.