'ભાજપે સ્વીકાર્યું કે તે શાસન કરવામાં અક્ષમ..', મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પર રાહુલ ગાંધીનો કટાક્ષ
President Rule In Manipur: મણિપુરમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે આખરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. વિપક્ષી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે તેને ભાજપ સરકારની નિષ્ફળતા ગણાવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું એ ભાજપ દ્વારા મણિપુર પર શાસન કરવામાં સંપૂર્ણ અસમર્થતાનો મોડો સ્વીકાર કર્યો.'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું એ ભાજપ દ્વારા મણિપુર પર શાસન કરવામાં સંપૂર્ણ અસમર્થતાનો મોડો સ્વીકાર કર્યો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પ્રત્યેની પોતાની જવાબદારીનો ઇનકાર કરી શકતા નથી.'
આ પણ વાંચો: મણિપુરમાં સીઆરપીએફના જવાને બે સાથીઓની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી, 8 ઈજાગ્રસ્ત
ભાજપ નેતાઓ વચ્ચે બેઠકનો દોર
મણિપુરમાં બિરેન સિંહના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસાને લઈને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બનેલી છે. ગત રવિવારે એન. બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવા માટે ભાજપ નેતાઓની બેઠકનો દોર શરુ થઈ ગયો હતો. જો કે, હવે રાજ્યમાંમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે.
મણિપુર વિધાનસભા ભંગ કરવાનો આદેશ
બિરેન સિંહના રાજીનામા બાદ ભાજપ સામે નવા મુખ્યમંત્રીની પસંદગીનો પડકાર છે. સૂત્રોના જણાવ્યાનુસાર, નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત આગામી બે દિવસમાં થઈ શકે છે. રાજ્યમાં અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીઓને કારણે ભાજપ પર પણ દબાણ હતું. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ કલમ ૧૭૪ (૧) હેઠળ વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપ્યો. આ આદેશ મણિપુર વિધાનસભા સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 12મી મણિપુર વિધાનસભાનું સાતમું સત્ર બોલાવવામાં આવ્યું હતું, પરંતુ મુખ્યમંત્રીના રાજીનામાને કારણે આ સત્ર શરૂ થઈ શક્યું નહીં.