જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ બાદ હટ્યું રાષ્ટ્રપતિ શાસન, નવી સરકારના શપથ ગ્રહણની તૈયારી
President Rule Removed in Jammu Kashmir : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું છે, જેથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં નવી સરકારના શપથ ગ્રહણ યોજાઈ શકે. આગામી 16 ઓક્ટોબરે નવી સરકારના શપથ ગ્રહણ યોજાવાની શક્યતાઓ છે. આમ, જમ્મુ કાશ્મીરમાંથી છ વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું છે. જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની જીત થઈ છે. તેને 49 બેઠકો પર જીત મળી છે જ્યારે ભાજપને 29 બેઠકો મળી છે.
જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ અગાઉ 2014માં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ ચૂંટણી બાદ ભાજપ અને પીડીપીએ ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. પરંતુ 2018માં ભાજપે સમર્થન પરત લીધા બાદ સરકાર તૂટી ગઈ હતી અને મહેબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું જે હવે હટાવી લેવાયું છે.
રાષ્ટ્રપતિ શાસન શા માટે લગાવાયું હતું?
જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 31 ઓક્ટોબર, 2019ના રોજ કલમ 370 અને 35Aને રદ કરવા અને ક્ષેત્રમાં બે કેન્દ્ર શાસિત પ્રદેશો - જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરાયા બાદ લગાવાવમાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરના પુનર્ગઠન અધિનિયમ, 2019ની કલમ 73 હેઠળ રાષ્ટ્રપતિ શાસનનો આદેશ જાહેર કર્યો હતો. આ પગલું જૂન 2018માં મહેબૂબાા મુફ્તીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર તૂટ્યા બાદ ઉઠાવાયું હતું, જ્યારે ભાજપે સરકાર પાસેથી પોતાનું સમર્થન પાછું લઈ લીધું હતું.
મહેબુબા મુફ્તીની સરકાર તૂટ્યા બાદ રાજ્ય સંવિધાનની કલમ 92ના અનુસાર, જમ્મુ કાશ્મીરમાં છ મહિના માટે રાજ્યપાલ શાસન લગાવાયું હતું. રાજ્યપાલ શાસનની મર્યાદા સમાપ્ત થયા બાદ કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું હતું, જે આજ સુધી ચાલ્યું હતું.