CMના રાજીનામા બાદ મણિપુરમાં ઉથલપાથલ: રાષ્ટ્રપતિ શાસનની શક્યતા, ધારાસભ્યો સાથે બેઠક
Manipur CM Resign : મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે (N Biren Singh) ગઈકાલે (9 ફેબ્રુઆરી) પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, નવા મુખ્યમંત્રીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ કામચલાઉ ધોરણે પદ પર કાર્યરત રહેશે. છેલ્લા ઘણા સમયથી હિંસામાં બળી રહેલાં મણિપુરના મુખ્યમંત્રીના અચાનક રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી માટે ચર્ચાઓ વધી છે. જો કે, હજુ સુધી હાઈ કમાન્ડ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સંભાવના
સૂત્રોના જણાવ્યા મુજબ મણિપુરમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અનેક હિંસાત્મક ઘટનાઓ બન્યા બાદ બિરેન સિંહ પર રાજકીય દબાણ વધી રહ્યું હતું. વિપક્ષ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન તેમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો હતો, જો કે તે પહેલાં જ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.
મણિપુરમાં સરકાર નહીં બને તો...
હાલ રાજ્યમાં નવી સરકાર બનાવવાની સંભાવના શોધવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. જો નવી સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. જ્યાં સુધી નવી સરકારની રચના નહીં થાય, ત્યાં સુધી બિરેન સિંહ કાર્યવાહક મુખ્યમંત્રી રહેશે.
ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંબિત પાત્રાએ એવા ત્રણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી, જેઓ બિરેન સિંહ સાથેના બગડેલા સંબંધો માટે જાણીતા છે. સૂત્રો મુજબ, ભાજપના આ ધારાસભ્યો આગામી 48 કલાકમાં રાજ્ય અથવા અન્ય જગ્યાએ બેઠકો યોજે તેવી શક્યતા છે. મણિપુરમાં હાલ રાજકીય સ્થિતિ બગડતા સંજેન્થોંગ, સિંગજામેઈ, મોઇરાંગખોમ, કીસમપત અને કંગલા ગેટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.
સંબિત પાત્રાનું નામ મુખ્યમંત્રીની રેસમાં આગળ
મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ડેરો જમાવીને બેઠેલા ભાજપના ટોચના નેતા સંબિત પાત્રાનું નામ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યું છે. આ સિવાય ભાજપના અન્ય ટોચના નેતાઓનું નામ ચર્ચાઈ રહ્યા છે. જો કે, મણિપુરમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થશે કે પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે? તે મુદ્દે પણ પક્ષ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. બીજી તરફ કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ચાલી રહેલા રમખાણો પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં આજથી શરુ થઈ રહેલું મણિપુરનું વિધાનસભા સત્ર સ્થગિત કરવામાં આવ્યું છે.
CMની રેસમાં કોણ સામેલ?
મણિપુરમાં નવા મુખ્યમંત્રીનો ચહેરો હજુ સુધી જાહેર કરાયો નથી. તેમજ તે પણ સ્પષ્ટ નથી કે, ભાજપ નવા મુખ્યમંત્રી બનાવશે કે કેમ? મીડિયા સૂત્રો અનુસાર, મણિપુરમાં CMની રેસમાં ભાજપના દિગ્ગજ નેતા સંબિત પાત્રા ઉપરાંત ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી યુમનામ ખેમચંદ સિંહ, વરિષ્ઠ કેબિનેટ મંત્રી ટી. વિશ્વજીતસિંહ અને વિધાનસભા સ્પીકર ટી. સત્યબ્રત સિંહનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
બિરેનસિંહે ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો
બિરેનસિંહનું મણિપુરના CM પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ આંતરિક ખેંચતાણ અને પક્ષના ધારાસભ્યોનું સમર્થન ગુમાવી રહ્યા હોવાનું મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું. ગત ઑક્ટોબર, 2024માં વડાપ્રધાન મોદી સમક્ષ ભાજપના 19 ધારાસભ્યોએ એન. બિરેનસિંહને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાની માગ કરતો પત્ર લખ્યો હતો. આ ધારાસભ્યો 10 ફેબ્રુઆરીથી શરુ થનાર મણિપુર વિધાનસભાના સત્રમાં બિરેનસિંહને નિશાન બનાવી સરકારમાં અશાંતિ સર્જે તેવી ભીતિ વચ્ચે CM પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા સાત વર્ષથી સત્તા પર હતા.
આ પણ વાંચો : રાહુલજી '0' ચેક કરી લો...: લોકસભામાં અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ