સોમવારથી રાષ્ટ્રપતિ મોરેશ્યસની 3 દિવસની મુલાકાતે : તેના સ્વાતંત્ર્ય દિને મુખ્ય મહેમાન બનશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
સોમવારથી રાષ્ટ્રપતિ મોરેશ્યસની 3 દિવસની મુલાકાતે : તેના સ્વાતંત્ર્ય દિને મુખ્ય મહેમાન બનશે 1 - image


- મોરેશ્યસમાં ભારતીયો વિશાળ બહુમતીમાં છે

- દ્રૌપદી મુર્મૂ પ્રમુખ પૃથ્વીરાજસિંહ અને વડાપ્રધાન જગન્નાથ સાથે મંત્રણા કરશે : ભારતનાં યુદ્ધ જહાજો સમારોહ ઉજ્જવલ કરશે

પોર્ટલૂઈ, નવીદિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમવારે મોરેશ્યસનાં પાટનગર પોર્ટલૂઈ પહોંચશે. તા. ૧૨મી માર્ચે મોરેશ્યસના સ્વાતંત્ર્ય દિન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ પદે રહેશે. તેઓ મોરેશ્યસ પહોંચે તે પૂર્વેથી જ ભારતનાં બે યુદ્ધ જહાજો આઇએનએસ તીર અને સીજીએસ સારથી પોર્ટ લઈ ઉપર લાંગરવામાં આવ્યાં છે. આ જહાજોની નૌ-સેના ટુકડીઓ પણ સ્વાતંત્ર્ય-દિન-પરેડમાં મોરેશ્યસની સેના-નૌસેના અને વિમાન સેનાની ટુકડીઓ સાથે ભાગ લેવાની છે.

રાષ્ટ્રપતિ મુર્મૂ મોરેશ્યસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપુન્ અને વડાપ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ સાથે મંત્રણાઓ કરશે. 

ભારતનાં વિદેશ-મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ તે બંને નેતાઓ ઉપરાંત મોરેશ્યસની સંસદના અધ્યક્ષ તથા તેની સુપ્રીમ કોર્ટના મુખ્યન્યાયમૂર્તિ સહિત મહત્ત્વના નેતાઓ સાથે મંત્રણાઓ કરવાનાં છે. વિદેશ મંત્રાલય વધુમાં જણાવે છે કે ૧૨મી માર્ચે જ્યારે મોરેશ્યસમાં ધ્વજવંદન થશે અને રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ ધ્વજ ફરકાવશે ત્યારે મોરેશ્યસની નૌસેના સાથે ભારતીય નૌકાદળનાં યુદ્ધ જહાજો ૨૧ તોપોની સલામી આપશે.

વિદેશ મંત્રાલય વધુમાં જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મૂ અને જગન્નાથ ભારતની સહાયથી શરૂ થનારી ૧૪ પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે. વર્ષ ૨૦૦૦ પછી મોરેશ્યસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ પદે રહેનારાં તેઓ છઠ્ઠા રાષ્ટ્રપતિ હશે. આ દર્શાવે છે કે તે ટાપુ રાષ્ટ્ર અને ભારત વચ્ચે કેટલા લાંબા સમયથી સ્થિર સંબંધો રહ્યાં છે.

વિશ્લેષકો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના આ પ્રવાસને ભૂ-રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માને છે. તેમાં તેવંક પણ અનુમાન બાંધે છે કે ભારત હવે ત્યાં નૌકા-મથક અને વિમાનમથક બાંધે તો આશ્ચર્ય જેવું નહીં રહે. દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં પશ્ચિમથી આવતાં જહાજો  માટે તે પ્રતિહાર (પહેરેગીર)ની ભૂમિકા ભજવશે. તો ઉત્તર પૂર્વે માલદીવમાં ચીને સ્થાપેલાં નૌકામથકો અને વિમાન મથકો ઉપર પણ બાજ નજર રાખી શકાશે. ઉત્તરે ભારતે સેમિલસ ટાપુમાં અને તેથી ઉ.પૂર્વે મસ્કતમાં નૌકા મથકો સ્થાપી હૂથી આતંકીઓ ઉપર દબાણ રાખી રહ્યું છે. હૂંથીઓના જહાજો તો ભારતનાં નૌકા-જહાજને આવતાં જોઈ પોબારા ભણી જાય છે. તેથી જ તેઓ હવે મિસાઈલ હુમલા તરફ વળ્યા છે. ટૂંકમાં રાષ્ટ્રપતિ મુર્મૂની મોરેશ્યસની મુલાકાતનું ભૂરાજકીય મહત્ત્વ ઘણું છે.


Google NewsGoogle News