લોક પરીક્ષા બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, હવે ગડબડ કરનારાઓને 10 વર્ષ સુધીની થશે સજા
કાયદા હેઠળ પેપર લીક કરનાર સામે પોલીસ સીધી જ કાર્યવાહી કરી શકશે
શંકાસ્પદની ધરપકડ કરી શકશે, કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાશે નહીં
Public Examinations Bill 2024 : સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર લીક અને નકલી વેબસાઈટ જેવી અનિયમિતતાઓ વિરૂદ્ધ ત્રણ વર્ષથી 10 વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ વાળા 'લોક પરીક્ષા વિધેયક, 2024'ને મંગળવારે લોકસભામાં પસાર થયા બાદ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu)એ પણ મંજૂરી આપતા હવે આ કાયદો બની ગયો છે.
બિલની કેટલીક જોગવાઈ
બિલની જોગવાઈ મુજબ જો કોઈ વ્યક્તિ પરીક્ષા લીક કરશે અથવા પ્રશ્ન પેપર સાથે છેડછાડ કરતો પકડાશે તો દોષિત ઠેરવ્યા બાદ તેને 10 વર્ષની સજા અને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારાશે. આ ઉપરાંત પોલીસ સીધી જ કાર્યવાહી કરી શકશે અને શંકાસ્પદની ધરપકડ કરી શકશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાશે નહીં.
બિલથી આખુ વર્ષ મહેનત કરનારા વિદ્યાર્થીઓને રાહત
રાષ્ટ્રપતિએ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ વર્ષભર મહેનત કરી પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે રાહત સમાન છે. ઘણી વાર પેપર લીક થતા વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જતી રહે છે.
કાયદાના દાયરામાં વિદ્યાર્થીઓ કે ઉમેદવારો નહીં
લોકસભામાં બિલ પાસ થયા બાદ કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આ કાયદાના દાયરામાં આવતા નથી. તેમણે કહ્યું કે, એવો સંદેશ પણ ન જવો જોઈએ કે, આ કાયદાથી ઉમેદવારો પરેશાન થશે. આ કાયદો પરીક્ષા સિસ્ટમ સાથે છેડછાડ કરનારાઓ વિરુદ્ધ લવાયો છે. આ વિધેયક રાજકારણથી ઉપર છે અને દેશના દીકરા-દીકરીના ભવિષ્ય સાથે જોડાયેલ છે.’ ગેરરીતિના કારણે પરીક્ષા રદ થાય તો પુનઃ પરીક્ષા માટે સમય મર્યાદા નક્કી કરવાના કેટલાક સભ્યોના સૂચન પર તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓમાં CBI તપાસ અને અન્ય પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવે છે, તેથી સમય મર્યાદા નક્કી કરવી શક્ય નથી, પરંતુ પરીક્ષા સમયસર યોજવા સરકારે પ્રયત્નો કરવા પડશે.
વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય
અગાઉ પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે સતત બનતી આવી ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. મોટા હોદ્દેદારો કે જેઓ બદલાય છે પરંતુ પદ્ધતિ ના બદલાતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે. તેથી પેપર લીકનો નવો કાયદો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.