Get The App

કટોકટી, નીટ, ખેડૂતો, અર્થતંત્ર અને મહિલાઓ.., જાણો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધનની મહત્ત્વની વાતો

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
કટોકટી, નીટ, ખેડૂતો, અર્થતંત્ર અને મહિલાઓ.., જાણો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધનની મહત્ત્વની વાતો 1 - image


President Droupadi Murmu Address Both Houses : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહોમાં પોતાનું સંબોધન કરી રહ્યા છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે 18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. તમામ નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા છે. 

12.10 PM

કટોકટી એક કાળો અધ્યાય હતો

રાષ્ટ્રપતિએ જ્યારે પોતાના સંબોધનમાં કટોકટીનો ઉલ્લેખ કર્યો ત્યારે ગૃહમાં હોબાળો મચી ગયો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે 'કટોકટી બંધારણ પર સીધા હુમલાનો સૌથી મોટો અને કાળો અધ્યાય હતો.'

12.05 PM

અભિભાષણમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કેવું હશે બજેટ

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રચાયેલી નવી સરકારના આગામી બજેટ તરફ ઈશારો કરતા રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે 'કેન્દ્રીય બજેટ ભવિષ્યલક્ષી દસ્તાવેજ હશે, સુધારાઓને ઝડપથી આગળ વધારવામાં આવશે. સરકાર કૃષિ પેદાશોના સંગ્રહ માટે કામ કરી રહી છે અને કૃષિ પેદાશો માટે MSP (ન્યૂનતમ ટેકાના ભાવ)માં વધારો કરવામાં આવ્યો છે.'

12.00 PM

આ સદી ભારતની સદી છે : રાષ્ટ્રપતિ

પોતાના સંબોધનને આગળ વધારતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 'આ સદી ભારતની સદી છે અને તેનો પ્રભાવ આવનારા એક હજાર વર્ષ સુધી રહેશે.' આ ઉપરાંત દેશમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન કાશ્મીરમાં મતદાનમાં ઘણા રેકોર્ડ તૂટ્યા હોવાનો નિર્દેશ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે 'આ ચૂંટણીઓ દ્વારા ઘાટીએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે.'

11.55 AM

અભિભાષણમાં મૂર્મુએ CAAનો કર્યો ઉલ્લેખ 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું કે 'હું CAA હેઠળ નાગરિકતા મેળવનારા પરિવારો માટે સારા ભવિષ્યની કામના કરું છું.' આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું કે 'ભારતના લોકોએ હંમેશા લોકશાહીમાં અને ચૂંટણી સંબંધિત સંસ્થાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'

11.50 AM

સરકાર ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિ માટે કામ કરી રહી છે

સરકાર ઉત્તર-પૂર્વમાં કાયમી શાંતિ માટે કામ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ઘણી જૂની સમસ્યાઓ હલ થઈ છે. આ ઉપરાંત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં ઘણા પગલાં લીધા છે. કેન્દ્ર સરકારની ગ્રુપ સી અને ગ્રુપ ડીની નોકરીઓ માટેના ઈન્ટરવ્યુ નાબૂદ કરવામાં આવ્યા હતા.

11.42 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પેપર લીકની ઘટનાનો કર્યો ઉલ્લેખ 

પોતાના અભિભાષણાં પેપર લીકની ઘટનાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 'પરીક્ષામાં કોઈપણ પ્રકારનો અવરોધ યોગ્ય નથી. પેપર લીકની ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને કડકમાં કડક સજા આપવાનું કામ સરકાર કરી રહી છે. આ પહેલા પણ ઘણા રાજ્યોમાં પેપર લીકના કિસ્સા સામે આવ્યા છે. આની સામે આપણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠવું પડશે.'

11.35 AM

એરલાઈન્સ 209થી વધીને 605 થઈ

બંને ગૃહના સયુક્ત સંબોધન દરમિયાન એરલાઈન્સનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ મૂર્મુએ કહ્યું કે 'એપ્રિલ 2014માં માત્ર 209 એરલાઈન્સ હતી, પરંતુ તેની સંખ્યા વધીને 605 થઈ ગઈ.  સરકારે દરેક ગામડામાં રસ્તાઓ બનાવ્યા. 'આ સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભોને સમાન મહત્વ આપી રહી છે. ઉત્પાદન, સેવાઓ અને કૃષિ. પીએલઆઈ યોજનાઓ અને વ્યવસાય કરવાની સરળતા મોટા પાયે રોકાણ અને રોજગારની તકો વધારી રહી છે. પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત, સૂર્યોદય ક્ષેત્રોને પણ મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.'

11.30 AM

સરકારે ખરીફ પાકના MSPમાં વધારો કર્યો 

સરકારે ખરીફ પાકના MSPમાં પણ વધારો કર્યો છે. આપણે વધુ ને વધુ આત્મનિર્ભર બનીએ એ વિચારને ધ્યાનમાં રાખીને નીતિ બનાવવામાં આવી છે.  આજકાલ વિશ્વમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ ઝડપથી વધી રહી છે. ભારતીય ખેડૂતો પાસે આ માંગને પહોંચી વળવાની અપાર ક્ષમતા છે.

11.25 AM 

લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકારની પસંદગી કરી'

રાષ્ટ્રપતિએ કહ્યું કે 'આખા દેશમાં લોકસભા ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. દુનિયા જોઈ રહી છે કે લોકોએ સતત ત્રીજી વખત સ્થિર સરકારની પસંદગી કરી છે. લોકોએ ત્રીજી વખત સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'

11.18 AM

આ વખતે મહિલાઓએ પણ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો - રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ચૂંટણીમાં મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, લગભગ 64 કરોડ મતદારોએ ઉત્સાહ અને ઉમંગ સાથે તેમનું ફરજ બજાવી છે. આ વખતે પણ મહિલાઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી પણ આ ચૂંટણીનું ખૂબ જ સુખદ ચિત્ર સામે આવ્યું છે. કાશ્મીર ખીણમાં કેટલાક દાયકાના મતદાનનો રેકોર્ડ તૂટી ગયો છે.

11.11

રાષ્ટ્રપતિનું સંબોધન શરૂ, નવા ચૂંટાયેલા સ્પીકરને અભિનંદન પાઠવ્યા 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું સંબોધન શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિએ નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને પણ અભિનંદન પાઠવ્યા હતા અને ચૂંટણી સુરક્ષિત રીતે યોજવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને પણ શુભેચ્છા પાઠવી છે.

11.03

રાષ્ટ્રપતિ મૂર્મુ સંસદભવન પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદભવન પહોંચ્યા છે. સંસદ ભવન પહોંચતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. થોડીવારમાં જ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં સંબોધન કરશે. 

10.53 AM

રાષ્ટ્રપતિ મૂર્મુ સંસદ માટે રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદ ભવન માટે રવાના થયા. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મૂર્મૂ સંબોધન કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણના અડધા કલાક પછી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થશે.

10.47 AM

આપને શિવસેનાને ટેકો, રાષ્ટ્રપતિને પણ સરમુખત્યારશાહીના ટેકેદાર ગણાવ્યાં 

રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવા પર આમ આદમી પાર્ટી, શિવસેના (UBT) એ કહ્યું કે રાષ્ટ્રપતિ પણ સરમુખત્યારશાહી માટે જવાબદાર છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, 'હું આમ આદમી પાર્ટીના નિર્ણયનું સ્વાગત કરું છું. જે રીતે સરમુખત્યારશાહી ચાલી રહી છે તેના માટે રાષ્ટ્રપતિ પણ જવાબદાર છે. રાષ્ટ્રપતિએ સરમુખત્યારશાહી સામે સરકારને રોકવી જોઈએ.

10.45 AM

રાષ્ટ્રપતિના સંબોધનનો AAP બહિષ્કાર કરશે

આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરશે. એક દિવસ પહેલા કથિત લીકર પોલિસી નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા બાદ સીબીઆઈએ ઔપચારિક રીતે કોર્ટ પરિસરમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડનો મેમો વેકેશન બેંચના સ્પેશિયલ જજ અમિતાભ રાવતને સોંપ્યો હતો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટેનું કારણ જણાવવામાં આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યાનુસાર, કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી લીકર પોલિસીને મંજૂરી આપી હતી.

10.42 AM

રાજ્યસભાનું 264મું સત્ર પણ આજથી શરૂ

નવી લોકસભાનું પ્રથમ સત્ર ગયા સોમવારથી શરૂ થયું હતું. આ સિવાય રાજ્યસભાનું 264મું સત્ર પણ આજથી શરૂ થશે. 

10.40 AM

અભિભાષણ શું હોય છે? 

બંધારણના અનુચ્છેદ 87 મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછીના સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા રજૂ કરે છે. તે ગયા વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પણ પ્રકાશિત કરે છે અને આગામી વર્ષ માટેની પ્રાથમિકતાઓની રૂપરેખા દર્શાવે છે.

કટોકટી, નીટ, ખેડૂતો, અર્થતંત્ર અને મહિલાઓ.., જાણો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધનની મહત્ત્વની વાતો 2 - image


Google NewsGoogle News