પાંચમી જૂને વર્તમાન કેન્દ્રીય કેબિનેટને ફેરવેલ ડિનર આપશે રાષ્ટ્રપતિ મુર્મૂ, દાયકાઓથી ચાલી આવે છે પરંપરા
Image Source: Twitter
Farewell Dinner: લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામ 4 જૂને જાહેર થશે. ત્યાર પછી બીજા દિવસે એટલે કે 5 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રીય કેબિનેટને ફેરવેલ ડિનર આપશે. આ વિદાઈ ડિનરનું આયોજન રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રે 8:00 વાગ્યાથી શરૂ થશે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. એટલે કે 16 જૂન પહેલા નવી સરકારનું ગઠન થઈ જશે.
દાયકાઓથી ચાલી આવે છે પરંપરા
4 જૂનના રોજ લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવતાની સાથે જ 18મી લોકસભાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. દાયકાઓથી એવી પરંપરા રહી છે કે, દરેક લોકસભાના કાર્યકાળની સમાપ્તિ પર રાષ્ટ્રપતિ દ્વારા વર્તમાન કેન્દ્રીય કેબિનેટને વિદાઈ ડિનર પર આમંત્રિત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ 5 જૂને આ જ પરંપરાનું પાલન કરશે.
લોકસભા ચૂંટણી 2024નું આયોજન 7 તબક્કામાં કરવામાં આવ્યું હતું
ભારતીય ચૂંટણી પંચે આ વર્ષે 16 માર્ચે સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણી 2024નું આયોજન 7 તબક્કામાં કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે અનુક્રમે 19 અને 26 એપ્રિલે મતદાન થયું હતું. ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા તબક્કા માટે અનુક્રમે 7, 15, 20 અને 25 મેના રોજ મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થયું છે. યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાતેય તબક્કામાં મતદાન થયું હતું.
આ ઉપરાંત લોકસભા ચૂંટણીની સાથે જ ચાર રાજ્યો ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણી પણ સમાપ્ત થઈ છે. અરુણાચલ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 જૂને જાહેર કરવામાં આવશે, જ્યારે ઓડિશા અને આંધ્ર પ્રદેશના પરિણામો 4 જૂનના રોજ સામાન્ય ચૂંટણીના પરિણામો સાથે જ આવશે.