છેલ્લે અમે ભવિષ્ય વિશે વાત કરી હતી, શહીદ કેપ્ટન અંશુમન સિંઘના પત્નીની વેદના સાંભળી તમે પણ રડી પડશો
Anshuman Singh Kirti Chakra: ભારતીય સૈનિકોની બહાદુરીથી સમગ્ર વિશ્વ વાકેફ છે. ભારતીય જવાનો દેશ, દેશના લોકો, તેમના પરિજનો તેમજ તેમના સાથીઓની રક્ષા માટે પોતાના જીવને પણ દાવ પર લગાવી દેતા હોય છે તેમજ આપણે ઘણીવાર ભારતીય સૈનિકોની બહાદુરીના કિસ્સાઓ પણ સાંભળતા હોય છે. આવો જ એક કિસ્સો છે શહીદ કેપ્ટન અંશુમન સિંઘનો, જેમણે પોતાના સાથી સૈનિકોના જીવ બચાવવા માટે પોતે વીરગતિ પ્રાપ્ત કરી હતી. હવે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા તેમને સન્માન આપવા માટે કીર્તિ ચક્ર એનાયત કરાયું. કેપ્ટન અંશુમન વતી તેમની પત્ની સ્મૃતિ સિંઘે આ સન્માન હાંસલ કર્યો હતો. સન્માન મેળવ્યા બાદ તેમની પત્નીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન શહિદની પત્ની તેમની અંતિમ વાતચીત યાદ કરી ભાવુક થઇ ગઇ હતી.
સાથીઓના જીવ બચાવતાં થયા હતા શહીદ
હકિકતમાં, સિયાચિન ગ્લેશિયરમાં 19 જુલાઇ 2023ના રોજ રાત્રે લગભગ 3.30 વાગ્યે ભારતીય સૈન્યના બારૂદ રાખેલા બંકરમાં આગ લાગી ગઇ હતી. જેના લીધે ઘણા ટેન્ટ પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને આ દરમિયાન ભારતીય સૈનિકો આગમાં ઘેરાઇ ગયા હતા. તે સમયે ત્યાં કેપ્ટન અંશુમન પણ તૈનાત હતા. આવા કપરા સમયે તેમણે બહાદુરી બતાવી તેમના સાથીઓનો જીવ બચાવ્યો હતો. તે સમયે તેઓ આગથી ઘેરાયેલા બંકરમાં ઘૂસી ગયા હતા અને પોતાના ચાર સાથીઓને સુરક્ષીત બહાર કાઢી લાવ્યા હતા. પરંતુ પોતે ગંભીર રીતે દાઝ્યા હતા, આ દરમિયાન તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરી સારવાર માટે ચંડીગઢ લઇ જવામાં આવ્યા હતા જ્યાં કેપ્ટન અંશુમન સિંઘે સારવાર દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી હતી.
પત્નીએ અંતિમ વાતચીત યાદ કરી
શહીદ કેપ્ટનની પત્ની સન્માન મેળવ્યા બાદ તેમની અંતિમ વાતચીત યાદ કરતા ભાવુક થઇ ગઇ હતી. તેણે કહ્યું કે, 18 જુલાઇએ અમે બંનેએ ખૂબ લાંબી વાત કરી હતી. એ વાતચીત દરમિયાન અમે અમારા આગામી 50 વર્ષના ભાવિ વિશે ચર્ચા કરી હતી. અમે વિચાર્યું હતું કે, અમારા બાળકો થશે અને અમે પોતાનું ઘર બનાવીશું. આ ઉપરાંત પણ ઘણી બધી બાબતો પર અમે ચર્ચા કરી હતી, પરંતુ 19 જુલાઇની સવારે હું ઉઠી અને મને ફોન આવ્યો કે, તે હવે અમારી વચ્ચે નથી રહ્યા. આ વાત કરતા તે ભાવુક થઇ ગઇ હતી.
પત્નીએ જણાવી તેમની પ્રેમ કહાણી
તેમની પ્રેમ કહાણી જણાવતા તેણે કહ્યું કે, કોલેજના પહેલા દિવસે અમે એક બીજાને જોયું હતું અને પહેલીવાર જોતાં જ અમને પ્રેમ થઇ ગયું હતું. અમે એન્જિનિયરિંગ કોલેજમાં હતા પરંતું એક માસ બાદ તેમનું સિલેક્શન આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ (AFMC)માં થયું હતું. તે ખુબ જ હોશિયાર હતા. માત્ર એક મહિના મળ્યા બાદ અમે 8 વર્ષ સુધી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા હતા. પછી અમે વિચાર્યું કે અમારે લગ્ન કરવા જોઇએ અને તેના થોડાક સમય બાદ અમે લગ્ન કર્યા હતા.
સમગ્ર પરિવાર શોકમાં પડી ગયો હતો
કેપ્ટનની વીરગતિના સમાચાર મળ્યા બાદની સ્થિતિ જણાવતા સ્મૃતિ સિંઘે કહ્યું કે, આ વાતની જાણ થતાં સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થયું હતું અને પહેલાં 7-8 કલાક તો અમે સ્વિકારવા તૈયાર જ ન હતા કે આવું કંઇ થઇ શકે છે. હું આજ સુધી સ્વિકાર નથી કરી શકી કે તેઓ હવે અમારી સાથે નથી. હું બસ વિચારી રહી હતી કે, કદાચ આ સત્ય ન હોય અને કદાચ તેઓ પરત આવશે. પરંતુ હવે મારા હાથમાં આ કીર્તિ ચક્ર છે અને હવે મને ભાસ થયો કે આ સત્ય છે. પરંતુ, મારા પતિ હિરો છે. અમે અમારા આગામી જીવનમાં થોડુંક સંઘર્ષ સહન કરી લઇશું કારણકે તેમણે તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યું હતું. તેમણે પોતાનો જીવ અને પોતાનું પરિવાર ગુમાવ્યું જેથી તે અન્ય સૈનિકોને બચાવી શકે. અમને તેમના પ્રતિ ખૂબ ગર્વ છે.
કોણ હતા કેપ્ટન અંશુમન સિંઘ
- કેપ્ટન અંશુમન સિંઘ ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી હતા.
- શહીદ થયાના પાંચ માસ પહેલા જ તેમના લગ્ન થયા હતા.
- કેપ્ટન અંશુમન સિંઘની પત્ની સ્મૃતિ સિંઘ પોતે ઇન્જિનિયર છે અને નોઇડાની એમએનસીમાં કામ કરે છે.
- તેમના પિતા રવિ પ્રતાપ સિંઘ પણ ભારતીય સેનામાં જેસીઓ રહી ચુક્યા છે.