'લગ્નમાં મળેલી ભેટોની યાદી બનાવો, દહેજના કેસોમાં મદદ મળશે' હાઈકોર્ટે આવી સલાહ કેમ આપી?
Allahabd High Court: હાલના સમયમાં લગ્ન બાદ થતા વિવાદોના કેસો વધી રહ્યા છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ સલાહ આપી છે. જેમાં કોર્ટે કહ્યું હતું કે 'લગ્નમાં મળેલી ભેટોની યાદી બનાવવી જોઈએ અને તેના પર વર અને કન્યા બન્નેની સહીં કરાવવી જરૂરી છે. જેનાથી લગ્ન પછી થતા વિવાદો અને મામલાઓમાં મદદ મળશે.' હાઈકોર્ટે દહેજ પ્રતિબંધ કાયદો, 1985ને ટાંકીને કહ્યું હતું કે 'આ કાયદામાં એવો પણ નિયમ છે કે વર-કન્યાને મળેલી ભેટની યાદી પણ બનાવવી જોઈએ. જેનાથી વર-કન્યાને શું મળ્યું હતું તે સ્પષ્ટ થશે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે 'લગ્ન દરમિયાન મળેલી ભેટને દહેજના દાયરામાં રાખી શકાય નહીં.'
નિયમ દહેજ અને ભેટ વચ્ચેનો તફાવત સમજાવે છે : હાઈકોર્ટ
જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણની બેન્ચે પૂછયું કે 'દહેજની માંગના આરોપો લગાવનારા લોકો પોતાની અરજી સાથે આવી યાદી કેમ નથી બનાવતા? દહેજ નિષેધ અધિનિયમને તેની સંપૂર્ણ ભાવનાથી અનુસરવામાં આવે તે જરૂરી છે. આ સિવાય હાઈકોર્ટે કહ્યું કે 'આ નિયમ દહેજ અને ભેટ વચ્ચેનો તફાવત સમજાવે છે. લગ્ન દરમિયાન વર કે કન્યાને મળેલી ભેટને દહેજમાં સમાવી શકાય નહીં. તેમજ સ્થળ પર જ મળેલી તમામ ભેટોની યાદી બનાવવી જોઈએ અને તેના પર વર અને કન્યા બંન્નેની સહી હોવી જોઈએ. જેનાથી ભવિષ્યમાં બિનજરૂરી આરોપોને અટકાવી શકાય છે.'
ભારતમાં લગ્નમાં ભેટ આપવાનો રિવાજ છે
હાઈકોર્ટે બાર અને બેંચના અહેવાલ અનુસાર કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર દ્વારા દહેજ પ્રતિબંધ કાયદો, 1985 એ ભાવનાથી બનાવવામાં આવ્યો હતો કે ભારતમાં લગ્નમાં ભેટ આપવાનો રિવાજ છે. ભારતની પરંપરાને ધ્યાનમાં રાખીને ભેટ અલગ રાખવામાં આવી છે. આ જ કારણ છે કે જ્યારે યાદી બનાવવામાં આવશે તો બિનજરૂરી આરોપોથી બચી શકાશે. ઘણીવાર લગ્ન પછી વિવાદ થાય ત્યારે આવા આક્ષેપો કરવામાં આવે છે.'
અલાહાબાદ હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
જસ્ટિસે વધુમાં કહ્યું કે 'આ નિયમ મુજબ દહેજ પ્રતિબંધક અધિકારીઓને પણ તૈનાત કરવા જોઈએ. પરંતુ આજદિન સુધી આવા અધિકારીઓને લગ્નમાં મોકલવામાં આવ્યા નથી. રાજ્ય સરકારે ખુલાસો કરવો જોઈએ કે તેણે આવું કેમ ન કર્યું, જ્યારે દહેજની ફરિયાદો સાથે સંબંધિત કેસ વધી રહ્યા છે. નોંધનીય છે કે અલાહાબાદ હાઈકોર્ટની આ ટિપ્પણી દહેજ ઉત્પીડનના વધતા જતા કેસોને લઈને મહત્વપૂર્ણ છે. કોઈપણ લગ્ન પછી 7 વર્ષ સુધી દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરી શકાય છે. ઘણીવાર આવા કેસો કોર્ટમાં પહોંચે છે જેમાં વિવાદ અન્ય કોઈ કારણથી થાય છે, પરંતુ દહેજનો આરોપ લગાવવામાં આવે છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટનું સૂચન મહત્વપૂર્ણ છે.