Get The App

ચૂંટણીના પરિણામ પહેલા જમ્મુ કાશ્મીરમાં 5 ધારાસભ્યની નિમણૂક! LGના નિર્ણય પર કોંગ્રેસ ભડકી

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ચૂંટણીના પરિણામ પહેલા જમ્મુ કાશ્મીરમાં 5 ધારાસભ્યની નિમણૂક! LGના નિર્ણય પર કોંગ્રેસ ભડકી 1 - image


Jammu-Kashmir: કોંગ્રેસે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં સરકારના ગઠન પહેલા પાંચ ધારાસભ્યોની નિમણૂકનો સખત વિરોધ કર્યો હતો અને આવા કોઈપણ પગલાને લોકતંત્ર અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો ગણાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ વખત ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. એક દાયકાના લાંબા સમય પછી નવી સરકારની રચનામાં પાંચ નિમણૂક કરાયેલા ધારાસભ્યોની મહત્ત્વની ભૂમિકા રહેશે.

અહેવાલ પ્રમાણે ગૃહ મંત્રાલયની ભલામણના આધાર પર લેફ્ટનન્ટ ગવર્નર (LG) આ સભ્યોને નોમિનેટ કરશે. આ પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019માં સુધારા બાદ પ્રથમ વખત ફોલો કરવામાં આવશે. આ કાયદામાં 26 જુલાઈ, 2023ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. એલજી દ્વારા આ પાંચ સભ્યોને નોમિનેટ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સંખ્યા વધીને 95 સભ્યોની થઈ જશે, જેના કારણે સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 48 બેઠકો સુધી વધી જશે. 

જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ જમ્મુમાં પત્રકારોને કહ્યું કે, અમે જમ્મુ અને કાશ્મીરમાં સરકારની રચના પહેલા ઉપરાજ્યપાલ દ્વારા પાંચ ધારાસભ્યોની નિમણૂકનો વિરોધ કરીએ છીએ. આવું કોઈપણ પગલું લોકતંત્ર, જનતાના આદેશ અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર હુમલો છે. આ દરમિયાન તેમની સાથે JKPCCના કાર્યકારી પ્રમુખ રમણ ભલ્લા પણ હાજર હતા. બંને નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપ જાણે છે કે તેની પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યા નથી, તેથી પાંચ ધારાસભ્યોની નિમણૂક કરીને તે જનાદેશમાં હેરફેર કરવાનો પ્રયાસ કરી રહી છે.

રવિન્દર શર્માએ કહ્યું કે, બંધારણીય માળખા હેઠળ ઉપરાજ્યપાલને મંત્રી પરિષદની સલાહ પર કામ કરવું જોઈએ. ચૂંટણી બાદ મેજોરિટી અથવા માઈનોરિટી સ્ટેટસ બદલવા માટે ધારાસભ્યોની નિમણૂક માટેની જોગવાઈનો દુરુપયોગ નુકસાનકારક રહેશે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ પ્રમાણે એલજી પાસે પાંચ ધારાસભ્યોની નિમણૂક કરવાની શક્તિ છે, જેમાં કાશ્મીરી પંડિતો (કેપી) અને પાકિસ્તાનના કબજા વાળા જમ્મુ કાશ્મીર (પીઓજેકે)ના શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ સામેલ છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ-NC ગઠબંધનને આરામદાયક બહુમતી મળવાની આશા છે અને સમય પહેલા 5 ધારાસભ્યોની નિમણૂક અલોકતાંત્રિક અને જનતા સાથે વિશ્વાસઘાત થશે. નિમણૂક પ્રક્રિયા નવી સરકારના કાર્યભાર સંભાળ્યા અને નામાંકિત પદ માટે ઉમેદવારોની ભલામણ કર્યા બાદ જ શરૂ થવી જોઈએ. તેમણે પીઓજેકે શરણાર્થીઓ, કેપી અને અન્ય લઘુમતીઓ માટે વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાનું વચન આપવું પરંતુ તેને પૂરું કરવામાં નિષ્ફળ રહેવા માટે પણ ભાજપની ટીકા કરી. 


Google NewsGoogle News