સગર્ભાઓ 29 ફેબુ્આરીના દિવસે બાળકને જન્મ આપવા માગતી નથી
મોર્ડન સમયના દંપતીની મોર્ડન ઘેલછાઓ
'લીપ ડે'ના જન્મ થાય તો બાળકની 'સત્તાવાર' વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડે
Parents don’t want leap year babies: અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અનેક ગર્ભવતી મહિલાઓ બાળકને જન્મ આપીને તે ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવી દેવા માગતી હતી. જેના કારણે અનેક ગર્ભવતી મહિલાઓએ તેમની સિઝેરિયનની તારીખમાં પણ ફેરફાર કરાવ્યો હતો. હવે એક જ મહિનામાં સ્થિતિ બદલાઇ છે. ગુજરાતમાંથી અનેક ગર્ભવતી મહિલાઓ હવે 29 ફેબુ્આરીના દર ચાર વર્ષે આવતો 'લીપ ડે' છે ત્યારે બાળકને જન્મ આપવા માગતી નથી.
બાળક લીપ વર્ષમાં જન્મ લે તો 4 વર્ષે વર્ષગાંઠ ઉજવે
ગ્રેગોરીયન કેલેન્ડર પ્રમાણે વર્ષના 12 મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ 12 મહિનામાં બીજા ક્રમે ફેબુ્આરી મહિનો આવે છે. ફેબુ્આરી મહિનાના 28 દિવસ હોય છે,પરંતુ દર ચાર વર્ષે આવતા લીપ વર્ષ દરમ્યાન 29 દિવસ હોય છે. જે વર્ષનો ચાર વડે નિઃશેષ ભાગાકાર કરી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. 1 વર્ષના 365 દિવસ હોય છે, પરંતુ લીપ વર્ષમાં 1 વર્ષના 366 દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબુ્આરી મહિનામાં આવે છે. આમ, 29 ફેબુ્આરીના જે બાળક જન્મે તેને એ જ તારીખે તેની વર્ષગાંઠ ઉજવવા માટે ચાર વર્ષની રાહ જોવી પડે છે.
માતા-પિતા નથી ઇચ્છતા કે બાળક 29 ફેબુ્આરીએ જન્મે
જેના કારણે અનેક જેમની ડયુ ડેટ નજીક છે તેવા અનેક માતા-પિતા તેમનું બાળક 29 ફેબુ્આરીના જન્મે નહીં તેમ ઈચ્છી રહ્યા છે. આ અંગે ગાયનેક્લોજીસ્ટ ડોક્ટરોએ જણાવ્યું કે, 'જેમની ડયુ ડેટ નજીક છે તે પૈકીની મોટાભાગની ગર્ભવતી મહિલાઓ 28 ફેબુ્આરી અથવા 1 માર્ચના જ બાળકને જન્મ આપવા પર પસંદગી ઉતારે છે.' એક ગાયનેકલોજીસ્ટે જણાવ્યું કે, 'મારી પાસે 10 દર્દીઓ એવા છે જેઓ આ સમયમાં બાળકને જન્મ આપવાના છે. આ પૈકી માત્ર 1 જ એવા દંપતિ છે જેમણે 29 જાન્યુઆરીના માતા-પિતા બનવા પર પસંદગી ઉતારી છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે અનેક મહિલાઓએ કરાવ્યું હતું સિઝેરિયન
બીજી તરફ આ અંગે ડો. ધવલ શાહે જણાવ્યું કે, 'અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે અનેક ગર્ભવતી મહિલાઓ 22 જાન્યુઆરીના માતાને જન્મ આપવા માગતી હતી. પરંતુ હવે લીપ યરને પગલે રીવર્સ ટ્રેન્ડ છે. એક ગર્ભવતી મહિલાની ડયુ ડેટ હવે નજીકમાં જ છે. પરંતુ તેઓ સિઝેરિયન ઓપરેશન 29 ફેબુ્આરી સિવાય કોઇ પણ તારીખે કરાવવા માગે છે. હાલમાં અમારી પાસે આ પ્રકારની એક જ ઈન્ક્વાયરી છે. '