અંતરિક્ષમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ માટે વતનમાં પ્રાર્થના: મહેસાણામાં લોકોએ મંદિરમાં ધૂન બોલાવી, કરી અખંડ જ્યોત
અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેમના સાથી બૂચ વિલ્મોર સાથે અવકાશમાં છે. મહેસાણાના કડીના ઝુલાસન ગામના વતની સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા પછી 13 જૂનના દિવસે પૃથ્વી પર પરત ફરવાના હતા. જોકે, તેમના સ્પેસક્રાફ્ટમાં ખામી થઈ હોવાથી તેઓ પાછા આવી શક્યા નથી. તેથી નાસાએ સુનિતા અને તેમની ટીમના પરત ફરવાની ત્રીજી વખત તારીખ જાહેર કરી છે. બીજી તરફ, સુનિતા વિલિયમ્સ હેમખેમ અને વહેલીતકે પાછી ફરે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. સુનિતા મહેસાણા શહેરના કડી તાલુકાના ઝુલાસન ગામની વતની છે, જ્યાં ગામના લોકો અને ગામની શાળામાં આજે (28 જૂન) અખંડ જ્યોત પ્રગટાવી ભગવાનને પ્રાથના કરવામાં આવી હતી. આ દરમિયાન સૌ કોઈએ સુનિતા અને તેમની ટીમ પૃથ્વી પર હેમખેમ પરત ફરે, તે માટે પ્રાર્થના કરી હતી.
ગામમાં અખંડ જ્યોત પ્રગટાવી, મંદિરે ગ્રામલોકો પ્રાથના કરી
હાલ સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગયા હોવાથી ઝુલાસણના ગ્રામજનો ચિંતિત થયા છે. બીજી તરફ સુનિતા અવકાશમાંથી હેમખેમ પરત ફરે એ માટે ગ્રામજનોએ ગામમાં અખંડ જ્યોત પ્રગટાવી છે. આ સાથે સુનિતા જલ્દીથી પાછા આવી જાય તે માટે ગામના દોલા માતાના મંદિરે પ્રાર્થના કરી રહ્યા છે. તેમજ દોલા માતાજીની આરતી ઉતારી સુનિતા વિલિયમ્સ સહીસલામત પરત ફરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હજુ ત્રણ દિવસ આ પ્રમાણે કાર્યક્રમ ચાલશે : આચાર્ય
ગામની શાળાના આચાર્યએ જણાવ્યું કે, સુનિતાના એરક્રાફ્ટમાં ખામી સર્જાઈ હોવાથી, તેઓ અવકાશમાં ફસાયા હોવાની માહિતી મળ્યા બાદ અમારા ગામના લોકોએ એકઠા થઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે સુનિતા હેમખેમ પરત ફરે એ માટે બધા ગ્રામજનોએ ભેગા થઈને દોલા માતાના મંદિરે પ્રાર્થના કરી હતી. તેમજ સુનિતાની સુરક્ષા માટે ગામની શાળામાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો અને ગ્રામજનો મળીને આ અખંડ જ્યોતની દોલા માતાના મંદિરે મૂકીને ધૂન અને આરતી કરીને સુનિતા હેમખેમ પરત ફરે તેવી ઈશ્વર પાસે પ્રાથના કરી રહ્યા છીએ. આમ ત્રણ દિવસ હજુ આ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવશે.
સુનિતા હેમખેમ પરત ફરશે, અમને વિશ્વાસ : ગ્રામજનો
સુનિતા 9 ડિસેમ્બર-2006ના રોજ પ્રથમ વખત અવકાશની સફરે ગયા હતા ત્યારે તેઓ 195 દિવસ અવકાશમાં રોકાણ કર્યુ હતુ. તેવામાં તેઓ જૂન 2007માં પરત આવવાના હતા. આમ આ દરમિયાન પણ તેમના સ્પેસક્રાફ્ટમાં ખામી ઉભી થઈ હતી. આ સ્થિતિએ પણ અમે ગ્રામલોકો એકઠા થઈને સુનિતા સહી-સલામત પૃથ્વી પર પરત ફરે એ માટે ગામના દોલા માતાના મંદિરે અખંડ જ્યોત પ્રગટાવી હતી. ત્યારબાદ સુનિતા હેમખેમ અવકાશમાંથી પરત ફર્યા હોવાથી અમને દોલા માતા પર અટૂટ શ્રદ્ધા છે. આમ અમને વિશ્વાસ છે કે, માતાજી સુનિતાની રક્ષા કરતા હોવાથી, તેઓ વહેલીતકે પાછા ફરશે.
13 જૂન પરત ફરવાની જગ્યાએ તારીખ લંબાવવાઈ
નવ દિવસમાં ચાલનારા આ મિશનમાં 13 જૂનના રોજ વિલિયમ્ય અને તેમની ટીમ પરત ફરવાના હતા, પરંતુ સ્પેસક્રાફ્ટમાં સર્જાયેલી ક્ષતિના લીધે તેઓ પૃથ્વી પર પરત ફરી શક્યા નથી. આ સાથે અવકાશયાનમાં ટેકનિકલ ખામીઓને લીધે તેઓની પરત ફરવાની તારીખ સતત લંબાવવામાં આવી રહી છે.