મહાકુંભમાં ટ્રાફિક જામની અસર છેક MP સુધી, પોલીસે શ્રદ્ધાળુઓના વાહનો રોકવાની ફરજ પડી
માઘ પૂર્ણીમાના સ્નાન માટે વધુને વધુ લોકો પ્રયાગરાજ આવી રહયા છે
સડકમાર્ગો પર કારો અને ટ્કોની લાંબી કતાર જોઇ શકાય છે
યુપીના પ્રયાગરાજના કુંભમેળાની અસર મધ્યપ્રદેશ સુધી જોવા મળી રહી છે. મહાકુંભમાં જનારા તીર્થયાત્રીઓના વાહનોથી મધ્યપ્રદેશ ૨૦ થી ૩૦ કિમી સુધીનો ટ્રાફિક જામ જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વધતી જતી વાહનોની ભીડને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં ટ્રાફિક થંભાવી દેવાની અરજ પડી હતી.આથી લોકોએ કલાકો સુધી સડકો પર રાહ જોવી પડી હતી. મધ્યપ્રદેશના કટની જીલ્લામાં પોલીસે રવીવારના રોજ એક દિવસ માટે વાહન વ્યહવાર થંભાવી દેવાનો આદેશ આપવો પડયો હતો.
મહેર જિલ્લાની પોલીસે પણ વાહનોને કટની ને જબલપુર પાછા ફરવાની અથવા તો જ્યાં છો ત્યાં જ રોકાઇ જવાની ફરજ પાડવામાં આવી હતી. પોલીસનું માનવું હતું કે પ્રયાગરાજમાં વધતી જતી ભીડના લીધે આગળની મુસાફરી મુશ્કેલ બની છે. વાહન વ્યહવાર સામાન્ય થવામાં કમસેકમ એક થી માંડીને બે દિવસ જેટલો સમય લાગી શકે છે. સોશિયલ મીડિયામાં પ્રસારિત વીડિયોઝમાં પણ મધ્યપ્રદેશના કટની,મેહર અને રીવા જિલ્લાના સડકમાર્ગો પર કારો અને ટ્કોની લાંબી કતાર જોઇ શકાય છે. એમપી પોલીસ પ્રયાગરાજ પોલીસ પ્રશાસન સાથે સંકલનમાં રહીને પછી જ વાહનોને આગળ જવા દેવાની મંજુરી આપે છે.કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ૫૦ કિમી જેટલું અંતર કાપવામાં ૧૦ થી ૧૨ કલાક જેટલો સમય લાગી રહયો છે.
જનરલ કોચ હોય કે એસી કોચ -ભીડ જ ભીડ...
પ્રયાગરાજ શહેરથી લઇને વારાણસી,મિરઝાપુર, લખનૌ અને રીવા સહિતના ૭ એન્ટ્રી પોઇન્ટસ પર વાહનોની લાંબી કતાર ધ્યાન ખેંચતી હતી. ટ્રેનમાર્ગે આવી રહેલા શ્રધ્ધાળુઓ જનરલ કોચમાં હોય કે એસી કોચમાં ભીડ અનુભવી રહયા છે. પ્રયાગરાજ મહાકુંભ અંગે એવી પણ અફવા ફેલાઇ હતી કે ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ જંકશન બંધ કરવામાં આવ્યું છે. જો કે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજ જંકશન ખુલ્લું હોવાનું જણાવીને અફવાઓ પર ધ્યાન નહી આપવા પર ભાર મુકયો હતો. સરકારી આંકડાઓ અનુસાર રોજ અંદાજે દોઢ કરોડ લોકો પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી રહયા છે. લોકો સ્નાનના સ્થળ સુધી જવા માટે કલાકો સુધી રાહ જોવા માટે પણ તૈયાર થયા છે.
એક અનુમાન અનુસાર દિલ્હીથી પ્રયાગરાજ આવવા માટે 26 કલાક જેટલો સમય લાગે છે. પ્રયાગરાજ પહોંચ્યા પછી પણ શ્રધ્ધાળુઓ જોખમી રીતે ટ્રાન્સપોર્ટ અને નાના ગુડસ વાહનોમાં મુસાફરી કરી રહયા છે. નાની પીક અપ ગાડીઓમાં ક્ષમતા કરતા બમણા મુસાફરો ભરવામાં આવે છે કેટલાક મુસાફરોને વાહન પાછળ લટકતા રહીને પણ સંગમસ્થળે જવા મજબૂર છે.
મહાકુંભના પવિત્ર સ્નાન માટે ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં ભારે ભીડ જોવા મળે છે. યુપીના અનેક શહેરોથી માંડીને મધ્યપ્રદેશ સુધીના સ્ટેશનો પર પ્રવાસીઓ કિડીયારુની જેમ ઉભરાયા છે. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને એડીજી લૉ એન્ડ ઓર્ડર માટે પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે. હવાઇમાર્ગની યાત્રાનું ભાડુ વધારે હોવાથી સામાન્ય લોકો ટ્રેન અથવા તો સાર્વજનિક ટ્રાંસપોર્ટમાં પ્રવાસ પસંદ કરે છે. આથી વાહનોનો વિવિધ સડકમાર્ગો પર ખડકલો જોવા મળે છે.
12 ફેબુ્આરીના માઘ પૂર્ણીમા સ્નાન માટે વધતી શ્રધ્ધાળુઓની ભીડ
પ્રયાગરાજમાં વધતી જતી શ્રધ્ધાળુઓની ભીડના લીધે સ્થાનિક લોકો પણ પોતાના રોંજિદાકામ સરળતાથી પુરા કરી શકતા નથી. મહાકુંભમાં આગામી ૧૨ ફેબુ્આરીએ માઘ પૂર્ણીમાના સ્નાન માટે વધુને વધુ લોકો પ્રયાગરાજ આવી રહયા છે. લોકો પૂર્ણીમાના પવિત્ર દિને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવીને પૂર્ણ્ય પ્રાપ્ત કરવા ઇચ્છે છે. પ્રયાગરાજને જોડનારા તમામ દિશાના રાજમાર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે.