મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ચોરી, પૂજારીએ અન્ન-જળ ત્યાગ કર્યો તો ચોરને થયો પસ્તાવો અને...
Image Source: Twitter
Prayagraj: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ચોરે મંદિરમાં સ્થાપિત 100 વર્ષ જૂની અષ્ટધાતુની મૂર્તિ ચોરી કરી લીધી હતી. આ ચોર કરી કર્યા બાદ ચોર સાથે કંઈક એવી ઘટના ઘટી કે ચોર થોડા દિવસ બાદ જ ભગવાનની આ મૂર્તિને હાઈવે કિનારે છોડી ગયો. આ સાથે જ તેણે એક માફીપત્ર પણ લખીને ત્યાં છોડ્યો હતો. હવે આ ચોરે આ માફીપત્રમાં ચોંકાવનારી બાબતો લખી છે. હાલમાં પોલીસ આ માફીપત્ર લખનાર ચોરની તલાશ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના પ્રયાગરાજ ગંગાપાર વિસ્તારના નવાબગંજ રામ જાનકી મંદિરની છે. આ મંદિરમાંથી 23 સપ્ટેમ્બરના રોજ 100 વર્ષ જૂની અષ્ટધાતુની મૂર્તિ ચોરી થઈ ગઈ હતી. આ ચોરીની ઘટનાની સૂચના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. મૂર્તિ ચોરી થયા બાદ મંદિરના પૂજારીને એવો આઘાત લાગ્યો કે તેમણે અન્ન-જળ ત્યાગ કરી દીધો હતો. હવે આ ઘટનાના 10 દિવસ બાદ નેશનલ હાઈવેના સર્વિસ રોડથી ગઉઘાટ લિંક રોડ પર લોકોએ એક મૂર્તિ જોઈ. લોકોએ આ અંગે સ્વામી જય રામદાસ મહારાજને જણાવ્યું. ત્યારબાદ આ મૂર્તિને ગઉઘાટ ખાલસા આશ્રમ લઈ જવાઈ. જ્યારે બોરી ખોલીને જોયું તો મૂર્તિ સાથે એર લેટર પણ હતો. જ્યારે આ લેટર વાંચ્યો ત્યારે આખી સ્ટોરી સામે આવી. આ લેટર કોઈ બીજાએ નહીં પરંતુ અષ્ટધાતુની મૂર્તિ ચોરી કરનાર ચોરે જ લખ્યો હતો. ચોરને મૂર્તિની ચોરીનો પસ્તાવો થયો હતો. તેમણે આ માફીપત્ર મંદિરના પૂજારીના નામે લખ્યો હતો.
માફીપત્રમાં શું લખ્યું-
'મહારાજજી પ્રણામ, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. અજ્ઞાનતાવશ મેં રાધા કૃષ્ણની મૂર્તિની ગઉઘાટથી ચોરી કરી લીધી હતી. ત્યારથી મને ભયાનક સપનાઓ આવી રહ્યા છે અને મારા પુત્રની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. મેં થોડા પૈસા માટે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. મેં મૂર્તિને વેચવા માટે તેની સાથે ઘણી છેડછાડ કરી છે. હું મારી ભૂલની માફી માંગીને મૂર્તિને અહીં મૂકીને જઈ રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે મને માફ કરો અને ભગવાનને મંદિરમાં પુનઃસ્થાપિત કરો. ઓળખ છુપાવવા માટે તેનો આકાર બદલાઈ ગયો છે. મહારા જી અમારા બાળકોને માફ કરીને તમારી મૂર્તિનો સ્વીકાર કરો.'
મંદિરના પૂજારીને મૂર્તિ મળ્યા બાદ મૂર્તિને મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને પૂજા-પાઠ શરૂ થઈ ગયો છે. પોલીસે નવાબગંજ પોલીસ સ્ટેશનમાં મૂર્તિની ચોરીની ફરિયાદ નોંધી લીધી છે. જ્યારથી મૂર્તિ ચોરાઈ હતી ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી. મૂર્તિ મળ્યા બાદ પોલીસ હવે ચોરને શોધી રહી છે. પોલીસ મંદિરની આસપાસ લાગેલા સીસીટીવી ચેક કરી રહી છે.