મહાકુંભમાં પૂર્ણિમા સ્નાન પહેલા લેવાયો મહત્ત્વપૂર્ણ નિર્ણય, પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન બંધ કરાયું
Prayagraj Sangam Railway Station Closed : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ સંગમ સ્ટેશનને આજે રવિવારના બપોરના સમયથી બંધ કરવામાં આવ્યું છે. ભીડ નિયંત્રણ માટે સ્નાન પહેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 12 ફેબ્રુઆરીએ પૂર્ણિમાની છે, તેથી 11 ફેબ્રુઆરીથી બંધ કરવાનું હતું, પરંતુ વધુ પડતી ભીડને કારણે રેલવે સ્ટેશન આજે રવિવારથી જ બંધ કરી દેવામાં આવ્યું છે.
પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન બંધ
મહાકુંભમાં જો ભીડ યથાવત રહી તો સંગમ રેલવે સ્ટેશન પૂર્ણિમા સુધી બંધ રહી શકે છે. કુંભ ક્ષેત્રના એક કિલોમીટરના અંતરમાં પ્રયાગરાજ સંગમ સ્ટેશન આવેલું છે. દારાગંજ અને પ્રયાગરાજ સંગમ બંને અલગ-અલગ રેલવે સ્ટેશન છે, જ્યારે દારાગંજને પહેલાથી જ કાયમ માટે બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને આજે બપોરે 1 વાગ્યાથી બંધ કરવામાં આવ્યું છે. અગાઉ આ સ્ટેશન સ્નાન મહોત્સવના 2 દિવસ પહેલા બંધ રહેતું હતું. જેને આવતી કાલે સોમવારની સવારથી બંધ કરવાનું હતું, પરંતુ હવે ડીએમના આદેશથી આજે 9 ફેબ્રુઆરીના બપોરે 1:00 વાગ્યાથી પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. મહાકુંભમાં આવનારી ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ગ્રાઉન્ડ પર
છેલ્લા ઘણા દિવસોથી મહાકુંભમાં એક કરોડથી વધુ લોકોની દૈનિક ભીડને કારણે, મેળા વિસ્તારથી લઈને શહેર સુધીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જો કે, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને વ્યવસ્થા સંભાળવામાં લાગી ગયા છે. શ્રદ્ધાળુઓની સેવા કરવા માટે પોલીસકર્મીઓ સામાન્ય રીતે 16 થી 18 કલાક અને ક્યારેક તો 50 કલાક સતત કોઈ પણ વિરામ વગર ફરજ બજાવી રહ્યા છે.
ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે 'ટ્રાફિક જામની સમસ્યા અંગે કમિશનરેટ પોલીસ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. મેળા વિસ્તારમાં ક્યાંય ટ્રાફિક જામ નથી, લોકો અલગ અલગ માર્ગો પર ચાલીને સંગમ પહોંચી રહ્યા છે. વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જે પાસ જારી કરવામાં આવ્યા હતા તે પણ આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.'