પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સમાં લૂંટ, 5000ની ટિકિટ 50 હજારમાં: AAPએ કરી કાર્યવાહીની માંગ
Prayagraj Flight Ticket Price Hike: મહાકુંભ દરમિયાન ફ્લાઇટ ભાડાને લઈને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે, એરલાઇન કંપનીઓએ મહાકુંભને ફાયદાનો સોદો બનાવી લીધો છે. સેવાઓ આપવાને બદલે કંપનીઓ લૂંટ ચલાવવા લાગી છે. સરકારે આના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.
રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સ જે 5 હજાર રૂપિયા ભાડું લઈ રહી હતી, તે હવે 60-70 હજાર ભાડું વસૂલ કરી રહી છે. આ સરેઆમ ખુલ્લી લૂંટ છે. ભાડામાં આટલો વધારો કરવાને કારણે લોકો પ્રયાગરાજ કુંભમાં જઈ શકતા નથી.
સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ - ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ કેન્દ્ર સરકારને અપીલ કરતાં કહ્યુ હતું કે, આ બાબતમાં તપાસ કરવામાં આવે, તેની સમીક્ષા કરી અને તાત્કાલિક તેના પર એક્શન લેવામાં આવે. ચઢ્ઢાએ સરકાર પાસે એરલાઇન કંપનીઓના ભાડા અંગે ગાઇડ લાઇન બનાવવાની પણ માંગ કરી છે.
તેમણે કહ્યું છે કે 'સરકારે જ ભાડું નક્કી કરવું જોઈએ, જેથી કરીને લોકોને કોઈ અસુવિધા ન થાય અને તેમના પર ભાડાનો બોજ પણ ન પડે. ચઢ્ઢાએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, આ કેવો નિયમ છે કે 5000 રૂપિયાની ટિકિટ 50,000 રૂપિયાની થઈ ગઈ? લોકોની આસ્થા સાથે છેડછાડ થઈ રહી છે.
વિમાન ભાડાને લઈને ઊભા થયા સવાલ
પ્રયાગરાજ મહાકુંભ માટે કાર્યરત વિમાનોના ભાડાને લઈને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં જ દિલ્હીથી પ્રયાગરાજનું વિમાન ભાડું લગભગ 40 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું હતું. સામાન્ય દિવસોમાં આ ભાડું લગભગ 3 હજાર રૂપિયા હતું.
આ પણ વાંચો: ભાજપનું સપનું રોળાશે! નીતિશ કુમારના નવા પ્લાનથી બિહારના રાજકારણમાં હલચલ તેજ
આ ઉપરાંત હૈદરાબાદ અને ભુવનેશ્વર જેવા શહેરોમાંથી પ્રયાગરાજ આવવા માંગતા શ્રદ્ધાળુઓએ 55-60 હજાર રૂપિયાની ટિકિટ ખરીદવી પડતી હતી. તો ફ્લાઇટ ટિકિટ અંગે ઊભા થતાં પ્રશ્નોને લઈને કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે.
એવું કહેવાય છે કે, કેન્દ્રએ વિમાન કંપનીઓને વધુ વિમાન ચલાવવા અને ભાડા સંતુલિત કરવા નિર્દેશ આપ્યો છે. જોકે, આ ક્યારે થશે, તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.