મહાકુંભમાં ફરી આગ લાગી, 30 દિવસમાં 5મી ઘટના, પોલીસ-ફાયરબ્રિગેડે સ્થિતિ કાબૂમાં લીધી
Fire in Mahakumbh: મહાકુંભમાં ફરી એકવાર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ વખતે સેક્ટર 8માં અનેક પંડાલ બળીને રાખ થઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 30 દિવસમાં આગની આ 5મી ઘટના હતી.
ફાયરબ્રિગેડ ઓફિસરે આપી માહિતી
ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારી પ્રમોદ કુમાર શર્માએ કહ્યું કે સેક્ટરમાં 8 એક ટેન્ટમાં આગની ઘટના બની હતી. જોકે સમય સૂચકતા સાથે આગને કાબૂમાં કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ મોટી જાન કે માલ હાનિના અહેવાલ સામે આવ્યા નથી.
અગાઉ ક્યારે ક્યારે આગ લાગી?
ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 ફેબ્રુઆરીએ મહાકુંભમાં આગ ભડકી હતી અને ત્યારે સેક્ટર 18 અને 19માં અનેક પંડાલ તેની લપેટમાં આવી ગયા હતા. જ્યારે 7 ફેબ્રુઆરીએ પણ શંકરાચાર્ય માર્ગ પર સંત હરિહરાનંદના પંડાલમાં આગની ઘટના બની હતી. ત્યારે 20 થી 22 પંડાલ બળીને રાખ થઇ ગયા હતા. આ પહેલા 30 જાન્યુઆરીએ સેક્ટર 22માં આગની ઘટના બની હતી. ત્યારે 20 મિનિટમાં અનેક પંડાલ રાખ થઇ જવા છતાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે સૌથી પહેલી આગની ઘટના 19 જાન્યુઆરીએ બની હતી. જ્યાં 180 જેટલા કોટેજ સળી ગયા હતા. આ આગની ઘટના ગેસ લીક થવાને કારણે બની હતી.