પ્રયાગરાજ કાંડના આરોપી લારેબ હાશમીએ કર્યો હતો 'લોન વુલ્ફ એટેક', ATSનો ચોંકાવનારો ખુલાસો
Image Source: Twitter
- લોન વુલ્ફ એટેકની ટ્રેનિંગ આતંકી સંગઠન પ્રશિક્ષણ દરમિયાન આતંકવાદીઓને આપવામાં આવે છે
પ્રયાગરાજ, તા. 27 નવેમ્બર 2023, સોમવાર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઈલેક્ટ્રીક સિટી બસના કંડક્ટર હરિકેશ વિશ્વકર્મા પર જીવલેણ હુમલા મામલેની તપાસ કરી રહેલી ATSની ટીમે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ATSનું કહેવું છે કે, આરોપી લારેબ હાશમીએ બસ કંડક્ટર પર લોન વુલ્ફ એટેક કર્યો હતો. લારેબ હાશમી બીટેકનો વિદ્યાર્થી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, લોન વુલ્ફ એટેકની ટ્રેનિંગ આતંકી સંગઠન પ્રશિક્ષણ દરમિયાન આતંકવાદીઓને આપવામાં આવે છે. તેમાં હુમલાખોર ભીડ-ભાડ વાળા વિસ્તારમાં માર્કેટ જેવી જગ્યાએ એકલો જ ઘૂસી જાય છે અને હુમલો કરી દે છે. શું લારેબને લોન વુલ્ફ એટેકની ટ્રેનિંગ આપવામાં આવી છે કે, પછી તે સેલ્ફ રેડિક્લાઈઝ્ડ છે. ATS આ બંને એંગલોની તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, લારેબનો કંડક્ટર પર હુમલો જૂની ટિકિટના પૈસાનો વિવાદ નહોતો પરંતુ લારેબ કટ્ટરપંથી અને જેહાદના માર્ગે હતો. લારેબે ટ્રેન્ડ આતંકવાદીની જેમ આ લોન વુલ્ફ એટેકને અંજામ આપ્યો. લારેબની ઈન્ટરનેટ હિસ્ટ્રી પરથી સ્પષ્ટ થાય છે કે, તે પાકિસ્તાની મૌલવી રિઝવી, કટ્ટરપંથીઓના ભાષણો, જેહાદ સંબંધિત આર્ટિકલ, તાલિબાનના નરસંહાર કરતા વીડિયો, ઈઝરાયેલ-પેલેસ્ટાઈનને લગતા વીડિયો સતત સર્ચ કરીને જોતો હતો.
લારેબનો મોબાઈલ, લેપટોપ અને 3 ડાયરી ખોલશે આતંકી કનેક્શનના રહસ્યો
પોલીસ હવે લારેબના મોબાઈલ અને લેપટોપની ફોરેન્સિક તપાસ તો કરાવી જ રહી છે. આ ઉપરાંત લારેબની ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી તે તાજેતરના સમયમાં તે કોને-કોને મળતો હતો અને ક્યાં-કયાં ગયો હતો. ક્યાંક આ સમગ્ર મામલાના તાર ઉદયપુર કન્હૈયાની ઘટના સાથે તો નથી જોડાયેલા ને અથવા તો કોઈ આતંકવાદી સંગઠને લારેબને રેડિક્લાઈઝ્ડ કર્યો છે.