પ્રયાગરાજઃ આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવા સામે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને અપીલ
- શુક્રવારે થયેલી હિંસા મામલે વેલફેર પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રદેશ મહાસચિવ જાવેદ અહમદની ધરપકડ કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 13 જૂન 2022, સોમવાર
પ્રયાગરાજમાં હિંસાના આરોપી જાવેદ અહમદના ઘરને બુલડોઝરથી ધ્વસ્ત કરવાની કાર્યવાહીનો મામલો ગરમાયો છે. વકીલોના એક સમૂહે તેને લઈને અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. વકીલો તરફથી કહેવામાં કહેવામાં આવ્યું છે કે, જે ઘર તોડવામાં આવ્યું છે તે ઘરનો માલિક જાવેદ નથી. ઘર જાવેદની પત્નીના નામ પર છે. ઘરને ધ્વસ્ત કરવું કાયદાની વિરુદ્ધમાં છે. આરોપીની પત્નીને ગેરકાયદેસર બાંધકામ અંગે અગાઉથી કોઈ માહિતી આપવામાં નહોતી આવી.
શુક્રવારે થયેલી હિંસા મામલે વેલફેર પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રદેશ મહાસચિવ જાવેદ અહમદની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી તેના આલીશાન ઘરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. ગેરકાયદેસર નિર્માણના આરોપમાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી પહેલા જાવેદના ઘરની બહાર નોટિસ લગાવવામાં આવી હતી.
પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લગાવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી અપેક્ષિત અનુમતિ લીધા વગર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. એટલા માટે તમને અધિનિયમ 1973ની ધારા 27(1) હેઠળ કારણ જણાવો નોટિસ આપવામાં આવી હતી અને તેની સુનાવણી તારીખ 24 મેના રોજ રાખવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ન તો તમે પોતે કે, ન તો તમારા પક્ષમાંથી કોઈ સુનાવણીની તારીખે આવ્યું. તેથી 25 મેના રોજ તોડી પાડવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે પ્રયાગરાજના ડીએમ સંજય ખત્રીએ કહ્યું કે, જાવેદ મોહમ્મદના ઘર પર નિયમ અનુસાર જિલ્લા તંત્ર અને પીડીએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી પહેલા એ જાણવા મળ્યું હતું કે, જાવેદ મોહમ્મદનું ઘર નિયમો વિરુદ્ધ બનાવવામાં આવ્યું હતું. આ કારણોસર આજે પીડીએ દ્વારા કાર્યવાહી કરતા ધ્વસ્તીકરણનું કાર્ય કરવામાં આવ્યું છે. જે લોકોના ઘર પીડીએના માપદંડો અનુસાર નથી તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.
એસપી અજય કુમારે જણાવ્યું કે, જાવેદ મોહમ્મદ ઉર્ફે જાવેદ પંપ 10 તારીખે થયેલી હિંસામાં સામેલ હતો. તેમના ઘર પર પીડીએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમના ઘરમાંથી કેટલાક પોસ્ટર્સ અને બેનર પણ મળી આવ્યા છે. આ બધા દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.