યુપીના પ્રતાપગઢનો વરરાજો લાવ્યો અમેરિકન દુલ્હન, ભારતીય રીતિ-રિવાજો સાથે લીધા સાત ફેરાં
- ભારતીય સંસ્કૃતિના આટલા રંગ જોઈને અમેરિકન દુલ્હન દંગ રહી ગઈ
Image Source: Twitter
પ્રતાપગઢ, તા. 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
યુપીના પ્રતાપગઢમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. ત્યાં એક યુવકના પ્રેમમાં અમેરિકન યુવતી પોતાના પરિવારજનો સાથે ભારત આવી ગઈ. બલ્હાના નિવાસી રવિ પ્રકાશે ભારતીય રીતિ-રિવાજોથી પંડિતની હાજરીમાં અગ્નિને સાક્ષી માનીને અમેરિકી દુલ્હન સાથે સાત ફેરા લીધા છે. આ સાથે જ સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમ પણ ખાધી. ભારતીય પરંપરા પ્રમાણે આયોજિત લગ્ન સમારોહના સાક્ષી બનવા માટે કન્યાના માતા-પિતા સહિત દોઢ ડઝનથી વધુ સંબંધીઓ અમેરિકાથી બેલ્હા આવ્યા હતા.
રમેશ પ્રતાપ સિંહ સેનામાંથી નિવૃત્ત થયા બાદ ગામમાં તેમના પૈતૃક મકાનમાં રહે છે. રમેશ સિંહના પુત્ર રવિ પ્રકાશ સિંહે ગુવાહાટીથી B.Tech કર્યા બાદ અમેરિકાની જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીમાં ડેટા સાયન્સમાં MS કરવા માટે એડમિશન લીધું હતું. 2016માં MSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રવિને અમેરિકાની અસુરિયન કંપનીમાં નોકરી મળી ગઈ. ત્યાં જ તેની મુલાકાત અમેરિકન નિવાસી લોરેન ઓમહેન સાથે થઈ હતી. મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. રવિના પિતા પહેલા તો આ લગ્ન માટે રાજી નહોતા પરંતુ પરિવારના સભ્યોએ સમજાવ્યા બાદ તેઓ રાજી થઈ ગયા. અંતે રવિ પ્રકાશ અને લોરેન ઓમહેનના લગ્નની તારીખ 18મી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી. આ સાથે જ આ લગ્ન ભારતીય પરંપરા મુજબ હિંદુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
રવિ સાથે સાત ફેરા લેવા માટે અમેરિકાથી લોરેન ઓમહેન તેમના માતા-પિતા મેરી જોય ઓમહેન અને બેરી ઓમહેન ઉપરાંત દોઢ ડઝન સંબંધીઓ બેલ્હા આવ્યા હતા. શનિવારે હલ્દી બાદ રવિવારે સવારથી સાંજ સુધી લગ્નની વિવિધ વિધિઓ કરવામાં આવી હતી. રાત્રે જયમાલા બાદ પૂજારીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. માટીનો દીવો, હલ્દી, ચાંદલો અને મંત્રોચ્ચાર. ભારતીય સંસ્કૃતિના આટલા રંગ જોઈને અમેરિકન દુલ્હન દંગ રહી ગઈ હતી.
લોરેન ઓમહેન અને રવિ પ્રકાશ સિંહના લગ્નના સાક્ષી બનવા માટે અમેરિકાથી આવેલા દોઢ ડર્ઝન લોકો આ લગ્ન સમારોહ જોઈને દંગ રહી ગયા હતા. અમેરિકાથી આવેલા મહેમાનોનું કહેવું છે કે, લગ્ન જેવા સમારોહ માટે આટલા પૈસા ભારતમાં જ ખર્ચ કરવામાં આવે છે.