પ્રશાંત કિશોરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ: વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા હતા આંદોલન
Prashant Kishor Health Deteriorated: બિહારના પટણામાં બીજી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી જન સૂરજ પાર્ટીના વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહ નીતિકાર પ્રશાંત કિશોર આમરણાંત ઉપવાસ પર છે. આ દરમિયાન તેમની તબિયત સોમવારે મોડી રાત્રે (છઠ્ઠી જાન્યુઆરી) બગડી હતી. ત્યારે મંગળવારે (સાતમી જાન્યુઆરી) સવારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી. તપાસ બાદ તેને એડમિટ કરવાની સલાહ આપવામાં આવી હતી. હાલ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
'મારું આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે'
અહેવાલો અનુસાર, જન સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર નબળાઈ અને ડિહાઇડ્રેશનને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની સંપૂર્ણ આરોગ્ય તપાસ હૉસ્પિટલમાં કરવામાં આવશે. હૉસ્પિટલ જતાં પહેલાં તેમણે જણાવ્યું હતું કે, 'મારી તબિયત ખરાબ હોવા છતાં મારો આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે.'
આ પણ વાંચો: અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રતિબંધ હટાવશે, પાકિસ્તાનને લાગશે મરચાં
બિહાર પબ્લિક સર્વિસ કમિશન(BPSC)ની 70મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોરને સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે ચાર વાગ્યે પટણા પોલીસ દ્વારા ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેમને સ્થાનિક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.
પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે તેમનું ઉપવાસ ચાલુ રહેશે. તેમણે મંગળવારે નવા વિરોધ સ્થળની જાહેરાત કરવાની વાત કરી હતી. જો કે હવે તેમની તબિયત લથડી છે.
ઉલ્લેખનીય છે કે, સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા.