બિહાર એક નિષ્ફળ રાજ્ય, સુધારવામાં સમય લાગશે..' પ્રશાંત કિશોરના નિવેદનને પગલે હોબાળો
Prashant Kishore On Bihar Bypolls: બિહારમાં વિધાનસભા પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ રાજકીય વિશ્લેષક અને હાલમાં જ નવો પક્ષ રચનારા પ્રશાંત કિશોરે બિહારને એક નિષ્ફળ રાજ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ રાજ્યના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સમય લાગશે અને ખૂબ જ મહેનત કરવી પડશે.’ જો કે, આ નિવેદન પછી સ્વાભાવિક રીતે જ હોબાળો શરૂ થઈ ગયો છે.
અમેરિકામાં બિહારી સમાજને વર્ચ્યુઅલ સંબોધન કરતા જન સુરાજ પાર્ટીના સ્થાપક સંયોજક પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, 'બિહાર એક નિષ્ફળ રાજ્ય છે. આ વખતે અમારી પાર્ટીનો દેખાવ સારો ના રહ્યો, પરંતુ મને આશા છે કે, વર્ષ 2025માં બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં અમારો પક્ષ સારૂં પ્રદર્શન કરશે. અમે જીત બાદ બિહારમાં દારૂના પ્રતિબંધો દૂર કરીશું અને તેમાંથી મળતા ટેક્સનો ઉપયોગ શિક્ષણ પાછળ કરીશું.'
વસતી મુદ્દે બિહારની આડકતરી રીતે ટીકા
બિહારના વસતી વધારાનો મુદ્દો છેડતા તેમણે આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જો બિહાર એક દેશ હોત તો વસ્તીના મામલે વિશ્વનો 11મો સૌથી મોટો દેશ બન્યો હોત. હાલમાં જ આપણે વસ્તી મામલે જાપાનને પાછળ છોડી દીધું. બિહારમાં સૌથી મોટો પડકાર એ છે કે, તમે નિરાશ હોવ છો, ત્યારે તમારું અસ્તિત્વ બચાવવું મુશ્કેલ બની જાય છે. તમે કોઈ બાબત પર ધ્યાન આપી શકતા નથી. અમે અઢી વર્ષથી જે પ્રયાસ કરી રહ્યા છીએ. અમને આશા છે કે, આ ચૂંટણી પરિણામોને બદલવામાં સમય લાગશે. જો કોઈ આ મિશન સાથે જોડાશે છે, તો તેમણે પાંચ-છ વર્ષ માટે પ્રતિબદ્ધતાથી કામ કરવું પડશે.’
બિહારની સ્થિતિ સુદાનનું ઉદાહરણ આપીને સમજાવી
બિહારમાં ફેલાયેલી નિરાશાની વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘ક્યારેક મને વિચાર આવે છે કે સુદાનના લોકો આખરે વીસ વર્ષથી ગૃહયુદ્ધ કેમ કરી રહ્યા છે? તેનું કારણ એ જ છે કે, સત્તા એક રાજ્ય કે રાષ્ટ્ર તરીકે લોકોની આકાંક્ષીઓમાંથી નિષ્ફળ જાય, ત્યારે લોકો ચિંતિત થાય છે, નિરાશ થાય છે. તેમને લાગે છે કે, આપણા બાળકો ભણશે કેવી રીતે અને તેનું ભવિષ્ય શું? આ જ સ્થિતિ બિહારમાં છે.’
અમારા બે મહિના જૂના પક્ષને પણ 70 હજાર મત
પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો જન સુરાજ પાર્ટી સત્તા પર આવશે, તો 2029-30 સુધી મધ્યમ આવક ધરાવતું રાજ્ય બનશે. હાલ વિકાસના માપદંડો પર યોગ્ય કામગીરી થઈ રહી નથી, તે એક નિષ્ફળ રાજ્ય છે. લોકોએ વડાપ્રધાન મોદી અને નીતિશ કુમાર પર વિશ્વાસ દર્શાવ્યો છે, પરંતુ અમારા બે મહિના જૂના પક્ષને પણ 70 હજાર મત મળ્યા છે. અમે યોગ્ય દિશા પર આગળ વધી રહ્યા છીએ.’
ઉલ્લેખનીય છે, બિહારની પેટાચૂંટણીમાં પીકેએ ચાર ઉમેદવારોને ઉતાર્યા હતા, પરંતુ ચારેય બેઠકો પર હાર્યા હતા. ચારમાંથી ત્રણની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી.