'સત્તામાં આવ્યા તો એક કલાકમાં.....' ટોચના ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરનો આ રાજ્યને વચન

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
'સત્તામાં આવ્યા તો એક કલાકમાં.....' ટોચના ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરનો આ રાજ્યને વચન 1 - image


Prashant Kishore Big Claim: બિહારના રાજકારણમાં પોતાનો સિક્કો અજમાવવા ઉતરેલા ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે એક મોટી જાહેરાત કરી છે. મીડિયા સાથે વાત કરતા જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો મારી પાર્ટી સત્તામાં આવશે તો એક કલાકની અંદર જ બિહારમાં દારૂબંધી સમાપ્ત કરી દઈશ.’ 

પ્રશાંત કિશોરે નીતિશ કુમારની હાલની દારૂબંધીના નિર્ણયની ટીકા કરી અને દાવો કર્યો કે, ‘બિહારમાં દારૂબંધી બિનઅસરકારક સાબિત થઈ છે. દારુબંધીના કારણે બિનકાયદેસર ઘરેલું દારુનું વિતરણ વધી ગયું છે. તેમણે રાજનેતાઓ અને નોકરશાહો પર પણ ગેરકાયદે દારૂના વેપાર દ્વારા લાભ ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. હું 'યોગ્યતાની રાજનીતિ'માં વિશ્વાસ કરું છું અને દારૂબંધી પર બોલવાથી અચકાઈશ નહીં.’

40 મુસ્લિમ ઉમેદવાર ઉતારવાનું એલાન

તાજેતરમાં જ પ્રશાંત કિશોરે મંચ પરથી એલાન કર્યું હતું કે મારી પાર્ટી આગામી વર્ષે યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા 40 મુસ્લિમ ઉમેદવારોની ટિકિટ આપશે.

રાજકારણના અભિષેક બચ્ચન છે તેજસ્વી 

પીકેએ તેજસ્વી યાદવ તુલના અભિષેક બચ્ચન સાથે અને પોતાને શાહરૂખ ખાન ગણાવતા કહ્યું કે, ‘તેજસ્વીની ઓળખ માત્ર એટલી છે કે તે લાલુપ્રસાદ યાદવનો દીકરો છે. તેજસ્વીને જીડીપી અને જીડીપી વિકાસ દર વચ્ચેનું અંતર પણ નથી ખબર અને આ બિહારનું દુર્ભાગ્ય છે.’

પીકેએ આગળ કહ્યું કે ‘જ્ઞાન અને બુદ્ધની ધરતી પર આપણી અભણ અને બદમાશ લોકોને પોતાના નેતા બનાવી રાખ્યા છે, પરંતુ જે રીતે શાહરૂખ ખાને બોલિવૂડમાં પોતાનો રસ્તો અને પોતાની ઓળખ જાતે બનાવી છે, તેવી જ રીતે રાજકારણમાં પ્રશાંત કિશોરે પોતાની ઓળખ જાતે બનાવી છે. આ જ કારણસર અમારો રસ્તો સીધો નથી. હવે જનતાએ એ નક્કી કરવાનું છે કે તેમણે કોના પર વિશ્વાસ કરવો છે. જેણે પોતાની બુદ્ધિ અને મહેનતથી રસ્તો બનાવ્યો તેના પર કે, પછી જે પોતાના પિતાના નામથી આગળ છે.’



Google NewsGoogle News