એક રાજ્યમાં ઝટકો તો બીજામાં કેવી રીતે ભાજપે ક્લિન સ્વિપ કર્યું? પ્રશાંત કિશોરે કર્યો મોટો ખુલાસો
Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. પરિણામ આવ્યા બાદથી જ અલગ-અલગ રાજ્યોમાં NDA અને I.N.D.I.A. ગઠબંધનના પ્રદર્શન અંગે ચર્ચા ચાલી રહી છે. હવે આ વચ્ચે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત અને રાજસ્થાનમાં ખરાબ પ્રદર્શન અંગે વાત કરી છે.
પ્રશાંત કિશોરે મધ્ય પ્રદેશમાં ભાજપની બમ્પર જીત પર કહ્યું કે, મધ્યપ્રદેશના ભાજપ તથા સંઘના સ્ટ્રક્ચર અને અન્ય રાજ્યો સ્ટ્રક્ચરમાં તફાવત છે. બીજા રાજ્યોમાં ભાજપ માત્ર મોદીના નામ પર જીતી રહી હતી, જ્યારે મધ્ય પ્રદેશમાં મોદીના નામની સાથે-સાથે ભાજપનું વિશાળ સ્ટ્રક્ચર પણ છે. જો તમે જોશો તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપને નુકસાન થયું પરંતુ મધ્ય પ્રદેશમાં નહીં.
રાજસ્થાન ચૂંટણી પર શું બોલ્યા પ્રશાંત કિશોર?
પ્રશાંત કિશોરે રાજસ્થાનમાં ભાજપના ખરાબ દેખાવ અંગે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સારી સ્થિતિ દર્શાવે છે કે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપમાં મિસ મેનેજમેન્ટ થયું. રાજસ્થાનમાં જ્યાં સુધી મને સમજાય છે કે, વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપે પાવરનું જે ડિસ્ટ્રિબ્યુશન કર્યું હતું, તેમાં માત્ર મુખ્યમંત્રીની વાત ન હતી. એ સિવાય ઘણાં મહત્ત્વના મુદ્દા હતા.
તેમણે આગળ કહ્યું કે, ચૂંટણીમાં ભાજપને સમર્થન આપનાર દરેક સમુદાય એવું અનુભવી રહ્યો છે કે મને તો કશું મળ્યું જ નથી. પછી ભલે તે ગુર્જર સમુદાયના લોકો હોય, મીણા હોય, રાજપૂત હોય કે આદિવાસીઓ હોય. બધાએ એવું જ અનુભવ્યું છે કે, અમને કંઈ પણ નથી મળ્યું. રાજસ્થાન એક કેસ સ્ટડી છે.
શું રહ્યા ચૂંટણી પરિણામ?
દેશની આઝાદી બાદ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ મધ્ય પ્રદેશની તમામ 29 લોકસભા બેઠકો પર પોતાની જીત નોંધાવી છે. આ વખતે કોંગ્રેસ અને કમલનાથના ગઢ ગણાતા છિંદવાડામાં પણ ભાજપે બમ્પર જીત નોંધાવી છે. બીજી તરફ ગત લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં તમામ 25 લોકસભા બેઠકો જીતનાર ભાજપની બેઠકો આ ચૂંટણીમાં ઘટીને 14 થઈ ગઈ છે. એટલે કે, પાર્ટીને 11 બેઠકોનું મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે 8 બેઠકો પર જીત મેળવી છે. બીજી તરફ એક બેઠક પર CPM, એક બેઠક પર RLP અને એક બેઠક પર ભારત આદિવાસી પાર્ટીએ જીત હાંસલ કરી છે.