બિહારમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજકારણ ગરમાયું, પ્રશાંત કિશોરે કહ્યું- નીતિશ કુમારની કારકિર્દી પૂરી
BPSC Candidates Protest: બિહારની રાજધાની પટણામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા BPSC ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરુ થઈ ગયું છે. જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. હાલ બિહારમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જાણો કેવી રીતે વિદ્યાર્થીઓનું આ આંદોલન બિહારમાં રાજકીય લડાઈનું કેન્દ્ર બની રહ્યું છે.
આજે પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રશાંત કિશોરે મોટું નિવેદન
જન સૂરજના નેતા પ્રશાંત કિશોરે રવિવારે પટણાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થી સંસદ બોલાવી હતી. આ પછી મોડી સાંજે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ અંગે પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. તેઓ આજે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પીકેએ કહ્યું કે, 'નીતીશ કુમારની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તેઓ વધુ એક વર્ષ માટે મુખ્યમંત્રી તરીકે કામ કરશે. પોલીસને આડકરતી ધમકી આપતા કહ્યું કે જે પોલીસ અધિકારીઓને હીરો બનવાનો શોખ છે, તેમણે સમજી લેવું જોઈએ કે એક વર્ષમાં સિસ્ટમ બદલાઈ જશે.'
'લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?'
જ્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તેમને ભાજપની બી ટીમ ગણાવ્યા તો પ્રશાંત કિશોરે કહ્યું કે, 'બાળકોના મુદ્દે રાજનીતિ ન કરો. લાઠીચાર્જમાં ઘાયલ થયેલા ઉમેદવારોને મળવા હોસ્પિટલ કેમ ન ગયા? લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?'
આ પણ વાંચો: 'પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને 18000ની સહાય...' દિલ્હી ચૂંટણી પહેલાં કેજરીવાલની મોટી જાહેરાત
પ્રશાંત કિશોર સિટી એસપી વિરુદ્ધ NHRCનો સંપર્ક કરશે
બીજી તરફ જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ કહ્યું કે, 'જ્યાં સુધી પુનઃ પરીક્ષાની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું આંદોલન બંધ નહીં થાય.' મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, 'પુનઃપરીક્ષા એટલા માટે નથી થઈ રહી કારણ કે હજારો કરોડની ડીલ થઈ છે. અડધાથી વધુ પોસ્ટ વેચાઈ ગઈ છે. હું વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને સિટી એસપી વિરુદ્ધ NHRC કોર્ટમાં જઈશ.'
પ્રશાંત કિશોરે કહ્યું કે, 'ત્રીજી વખત BPAC ઉમેદવારો પર લાઠીચાર્જ કેમ કરવામાં આવે છે, સીએમ નીતિશ કુમારને સવાલ પૂછો. તે દિલ્હીમાં બેઠા છે અને કંઈ બોલતા નથી અને બિહારના ચાર નિવૃત્ત અધિકારીઓ સરકાર ચલાવી રહ્યા છે.'