'લાલુ યાદવ અને રાબડી દેવીએ બિહારને દિશાહીન બનાવી દીધુ હવે તેજસ્વીથી કંઈ ભલુ નથી થવાનુ': પ્રશાંત કિશોર

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
'લાલુ યાદવ અને રાબડી દેવીએ બિહારને દિશાહીન બનાવી દીધુ હવે તેજસ્વીથી કંઈ ભલુ નથી થવાનુ': પ્રશાંત કિશોર 1 - image

Image Source: Twitter

-  ડેપ્યુટી સીએમને ન ભાષાનું જ્ઞાન છે ન વિષયનું જ્ઞાન: પ્રશાંત કિશોર 

પટના, તા. 09 ઓક્ટોબર 2023, સોમવાર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એક નિવેદન આપતા લાલુ, રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, તેજસ્વી યાદવ જેવા નેતા જો દેશને નવી દિશા આપવા લાગશે તો દેશનું કંઈ ભલુ નથી થવાનું. તેમ છતાં તેજસ્વી યાદવને મારી શુભકામનાઓ છે. તેજસ્વીના માતા-પિતા બિહારમાં મુખ્યમંત્રીના પદ પર રહી ચૂક્યા છે અને તેજસ્વી યાદવ પોતે ડેપ્યુટી સીએમ છે. બિહારને તો તેમણે દિશાહીન બનાવી દીધુ છે. જો બિહારની જનતાએ તેજસ્વીને જવાબદારી સોંપી છે તો બીજું કંઈ નહીં તો જે વિભાગોના તેઓ મંત્રી છે તેમની હાલત તો સુધારી દો. બિહારમાં હોસ્પિટલોની સ્થિતિ સુધારો, બિહારમાં રસ્તાઓની સ્થિતિ સુધારી દો.

પ્રશાંત કિશોરે કહ્યું કે, બિહારમાં ગ્રામીણ કાર્ય મંત્રાલયમાં આવતી ગટરો-ગલીઓની સ્થિતિ સુધારી દો. દેશમાં તેમના માટે સ્થિતિની વાત કરવી એટલે એકદમ એવું જ જેમ કે, અંગ્રેજીમાં એક કહેવત છે "Punching above your weight". આનો અર્થ એ થાય છે કે, તેમના કદ કરતા ઘણી મોટી વાત છે. તેમણે પોતાની વાત કરવી જોઈએ. 

બિહારમાં રોજગારી નથી અને વાત કરી રહ્યા છે ગાઝાની

તેજસ્વી યાદવ પર પ્રહાર કરતા પીકેએ કહ્યું કે, ડેપ્યુટી સીએમને ન ભાષાનું જ્ઞાન છે ન વિષયનું જ્ઞાન છે. પરંતુ જો તીખી ટિપ્પણી કરવી હશે તો બેસીને ઈઝરાયલ અને પેલેસ્ટાઈન પર કરશે. બિહારમાં ગરીબ બાળકોના શરીર પર કપડા નથી, પેટ ભરવા માટે ખાવાનું નથી, રોજગારી નથી પરંતુ તેઓ ગાઝામા શું થઈ રહ્યું છે તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. 

પ્રશાંત કિશોરે કહ્યું કે, અહીં નેતાઓને પણ આવી આદત લાગી ગઈ છે. મૂર્ખતાને અહીં નેતાઓએ જમીની હકીકત માની લીધી છે. જે નેતાઓને ન ભાષાનું જ્ઞાન છે ન વિષયનું જ્ઞાન છે તેમને સમાજ જમીની નેતા માની લે છે. જો કોઈ વ્યક્તિએ અહીં શર્ટ પર ગંજી પહેરી લીધી તો અહીંનો સમાજ તેને જમીની નેતા માનવા લાગે છે. 


Google NewsGoogle News