3 ભૂલને લીધે AAP એ દિલ્હીમાં સત્તા ગુમાવી, પ્રશાંત કિશોરે કહ્યું - એક તો કેજરીવાલનું બ્લન્ડર હતું...
Prashant Kishor On Arvind Kejriwal: દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 67 બેઠકો પર જીત હાંસલ કરનારી આમ આદમી પાર્ટીને આ વખતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં જ પૂરણ થયેલી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી માત્ર 22 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા હાંસલ કરી છે. હવે આમ આદમી પાર્ટીની હાર પર જન સૂરાજના સ્થાપક અને ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, ત્રણ ભૂલના કારણે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા ગુમાવી છે. તેમાંથી એક તો અરવિંદ કેજરીવાલનું બ્લંડર હતું.
પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, શાસન, ગઠબંધન અને અરવિંદ કેજરીવાલના રાજીનામાને લઈને થયેલી ત્રણ ભૂલોને કારણે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા ગુમાવી છે. તેમણે કહ્યું કે, 'AAP ક્યારેય કેડર આધારિત પાર્ટી રહી નથી. આ એક એવો પક્ષ છે જે એક આંદોલનમાંથી ઉભરી આવ્યો છે અને લોકોએ તેને જીત અપાવી છે. તે એક સ્વયંસેવકો દ્વારા સંચાલિત પાર્ટી હતી, જે તમારા સમર્થકો છે તેઓ જ ચૂંટણી દરમિયાન સ્વયંસેવકો બની જાય છે. તેઓ તમારા પ્રતિબદ્ધ કાર્યકર્તા નથી. તેમને લાગ્યું કે, તમે એક નવા પ્રકારની રાજકીય વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરો છો, તેથી તેમણે પોતાની તાકાત લગાવી અને તમને જીતાડ્યા.
સત્તા વિરોધી લહેર
આમ આદમી પાર્ટીની હારના કારણો ગણાવતા પ્રશાંત કિશોરે કહ્યું કે, 'ત્રણ-ચાર વાતો જે દૂરથી સમજાઈ રહી છે. એક તો શાસનના અભાવે સત્તા વિરોધી લહેર હતી. આ ટર્મમાં જનતાને શિક્ષણ સિવાય બીજું કંઈ ન દેખાયું. શાસન છેલ્લા સ્તરે દેખાયું, ખાસ કરીને ગત ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ઘટના અને મોહલ્લા ક્લિનિક ધરાશાયી થવાની ઘટના. યમુના પર જે તમે વચનો આપ્યો હતા એ, પ્રદૂષણની સમસ્યા. એકંદરે, લોકોના જીવનને અસર કરતી સમસ્યાઓમાં કોઈ સુધારો જોવા ન મળ્યો અથવા કેટલાક કિસ્સાઓમાં ઘટાડો થયો છે. એક એની અસર રહી હશે.
I.N.D.I.A. ગઠબંધન
પ્રશાંત કિશોરે કહ્યું કે ક્યારેક 'I.N.D.I.A.' ગઠબંધન સાથે રહેવું અને ક્યારેક દૂર રહેવાને કારણે તેમને બેવડું નુકસાન થયું. 'આમ આદમી પાર્ટી જે પાર્ટી વિથ ડિફરન્સના ટેગ સાથે આવી હતી તે ધીમે ધીમે નબળી પડતી ગઈ. તેની સ્થિતિ સ્પષ્ટ નહોતી કારણ કે તે I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો હોવું અને ન હોવું, આ બંનેથી તેની પોઝિશનિંગ લોકોને સમજમાં ન આવી. AAP તેનો હિસ્સો છે કે નહીં, લોકસભામાં સાથે લડ્યા અને વિધાનસભામાં અલગ. એક મોટો વર્ગ જે કહેતો હતો કે ઉપર મોદી અને નીચે કેજરીવાલ, તે તમારા હાથમાંથી નીકળી ગયો છે, તે વર્ગ જે ઇચ્છે છે કે તમે મોદીને હરાવવા માટે I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો રહ્યા તે પણ નારાજ થઈ ગયો છે. બંને બાજુથી નુકસાન થયું.
આ પણ વાંચો: TET-TATના આંદોલન કરી રહેલા 250થી વધુ ઉમેદવારોની અટકાયત, પોલીસ સાથે જોરદાર ઘર્ષણ
ત્રણેય મુખ્ય નિર્ણયોમાં સ્પષ્ટતાનો અભાવ
ચૂંટણી વ્યૂહનીતિકારે કહ્યું કે, તેમણે ખોટા સમયે રાજીનામું આપવાનો નિર્ણય લીધો જેના કારણે બંને બાજુથી નુકસાન થયું. પીકેએ તેને બ્લન્ડર ગણાવ્યું. તેમણે કહ્યું કે, 'તેમણે કરેલી ત્રીજી વ્યૂહાત્મક ભૂલ એ હતી કે જ્યારે કેજરીવાલ પર દારૂ કૌભાંડનો મામલો આવ્યો ત્યારે તેમણે જેલમાં જતા પહેલા હાઈ મોરલ ગ્રાઉન્ડ લઈને રાજીનામું આપી દેવું જોઈતું હતું. તેનો એક ફાયદો થઈ શકતો હતો. લોકોને લાગતું કે આ એ રાજકીય લોકો છે જે એવા ધોરણો નક્કી કરી રહ્યા છે કે જો મારા પર કોઈ આરોપ લાગશે તો હું રાજીનામું આપી દઈશ. તમે આવું કર્યું નહીં તો મોરલ હાઈ ગ્રાઉન્ડ મળ્યું નહી. જ્યારે તમે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તમે તમારા પદ પરથી રાજીનામું આપ્યું અને તે વર્ગ પણ નારાજ થયો જે ઇચ્છતો હતો કે કેજરીવાલ જ કોઈપણ સંજોગોમાં મુખ્યમંત્રી બન્યા રહે. ત્રણેય મુખ્ય નિર્ણયો શાસન, રાજકીય સ્થિતિ અને રાજીનામાને લઈને સ્પષ્ટતાનો અભાવ હતો.