VIDEO : સવારે 4 વાગ્યે પ્રશાંત કિશોરની પોલીસે અટકાયત કરતાં હોબાળો, થપ્પડબાજી કર્યાનો આક્ષેપ
BPSC Students Protest and PK Detain News | બિહાર પબ્લિક સર્વિસ કમિશન(BPSC)ની 70મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સ્થાપક અને જાણીતા ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરને વહેલી સવારે ચાર વાગ્યે પટના પોલીસ દ્વારા ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી.
પાર્ટીનો શું છે આરોપ?
જન સૂરજ પાર્ટીનો આરોપ છે કે પોલીસે પ્રશાંત કિશોર સાથે બર્બરતા કરી છે. પોલીસે તેમને થપ્પડ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ધરણાં સ્થળ પરથી સીધા પટના એઇમ્સમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાન પટના પોલીસ અને જન સૂરજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોરના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.
વીડિયો પણ વાયરલ થયા
પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરતાં જ સમર્થક વિદ્યાર્થીઓએ પ્રશાંત કિશોરને ઘેરી લીધો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ આખરે પોલીસે પ્રશાંત કિશોરને કસ્ટડીમાં લઈ લીધા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસ દળ વચ્ચેની આ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દરમિયાન પોલીસે ગાંધી મેદાનની બહાર આવતા વાહનોનું ચેકિંગ શરુ કર્યું છે.
પ્રશાંત કિશોરની શું છે માગ?
તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ માટે પટનાના ગાંધી મેદાનમાં ગાંધી પ્રતિમા નીચે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. સોમવારે સવારે 4 વાગ્યે મોટી સંખ્યામાં પોલીસ આવીને પ્રશાંત કિશોરને લઈ ગઈ હતી. જન સૂરજના લોકોનો આરોપ છે કે આ દરમિયાન પોલીસે પીકેને થપ્પડ પણ મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પ્રશાંત કિશોરને પટના એઇમ્સમાં લઈ ગઈ છે, જ્યાં તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.