'PM મોદીના ચરણસ્પર્શ કરી બિહારનું માથું શરમથી ઝૂકાવ્યું..', નીતિશ કુમાર પર દિગ્ગજ ભડક્યાં
Prashant Kishor and Nitish kumar News | રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર તેમના અનેક નિવેદનો અને ભવિષ્યવાણીઓને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સત્તામાં રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ચરણ સ્પર્શ' કરવાનો આરોપ મૂક્યો હતો. 'જન સુરાજ' અભિયાન ચલાવી રહેલા પ્રશાંત કિશોરે ભાગલપુરમાં એક જનસભાને સંબોધતાં આ ટિપ્પણી કરી હતી.
નીતીશ કુમારની કરી ટીકા...
પ્રશાંત કિશોરે કહ્યું કે, લોકો મને પૂછે છે કે હું નીતિશ કુમારની ટીકા શા માટે કરી રહ્યો છું, જોકે મેં તો તેમની સાથે અગાઉ ઘણી વખત કામ કર્યું છે. તે સમયે તેઓ અલગ વ્યક્તિ હતા. તેમનો અંતરાત્મા વેચાયો ન હતો. પ્રશાંત કિશોરે 2015માં જેડી(યુ)ના પ્રમુખપદની ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી અને બે વર્ષ પછી ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા હતા.
પીએમના ચરણસ્પર્શી નીતિશે બિહારનું શીશ નમાવ્યું
પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે, કોઇ રાજ્યના લીડર રાજ્યમાં રહેતા લોકોનું ગૌરવ હોય છે. પરંતુ નીતીશ કુમારે મોદીના ચરણસ્પર્શ કરીને બિહારને શરમમાં મૂકી દીધું. ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારની JD(U) એ લોકસભા ચૂંટણીમાં 12 બેઠકો જીતી અને ભાજપના બીજા સૌથી મોટા સાથી તરીકે ઉભરી આવી હતી.
નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
પ્રશાંત કિશોરે કહ્યું કે, મોદીની સત્તામાં વાપસીમાં નીતીશ કુમારની મહત્વની ભૂમિકા વિશે ઘણી વાતો થઈ રહી છે. પરંતુ બિહારના સીએમ કેવી રીતે તેમના પદનો લાભ કેવી રીતે ઊઠાવી રહ્યા છે? શું તેઓ રાજ્યને ફાયદો સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રભુત્વનો ઉપયોગ કરી રહ્યા છે? પ્રશાંતે કહ્યું કે નીતિશ કુમાર એટલા માટે ચરણસ્પર્શ કરી રહ્યા છે કેમ કે 2025ની વિધાનસભા ચૂંટણી બાદ પણ તે ભાજપના સમર્થનથી સત્તામાં જળવાઈ રહે.