પટનામાં પ્રશાંત કિશોરની ધરપકડ 15 કલાકમાં જ બિનશરતી જામીન
- ર્પેપર લીક મુદ્દે ગાંધી મેદાનમાં ધરણા પર બેઠેલા
- જેલમાં પણ ઉપવાસની તૈયારી હતી, પરીક્ષા રદ કરાવી વિદ્યાર્થીઓને ન્યાય અપાવીશું : પીકે
પટના : પટનાના ગાંધી મેદાન પર પેપર લીક મુદ્દે ધરણા પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલા જન સુરાજના નેતા પ્રશાંત કિશોરની પોલીસે ઉપવાસ સ્થળેથી ધરપકડ કરી લીધી હતી અને બેઉર જેલ પરિસરમાં રખાયા હતા. બાદમાં તેમને સ્થાનિક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. અગાઉ કોર્ટે શરતો મુકી હતી જેને માનવાનો પ્રશાંત કિશોરે ઇનકાર કરી દીધો હતો, બાદમાં આ શરતોને કોર્ટે હટાવી લીધી હતી.
તેથી પ્રશાંત કિશોર શરતો વગર જામીન મેળવીને જેલમાંથી બહાર નિકળ્યા હતા. બિહારની બીપીએસસીની ૭૦મી પીટી પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે. તેમનો દાવો છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું હોવાથી તેને રદ કરીને ફરી યોજવામાં આવે. વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે પ્રશાંત કિશોર પટનાના ગાંધી મેદાનમાં પાંચ દિવથી ઉપવાસ પર બેઠા હતા. એવામાં રવિવારે વહેલી સવારે અચાનક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પીકે તરીકે ઓળખાતા પ્રશાંત કિશોરને ઉઠાવી ગઇ હતી.
અગાઉ પ્રશાંત કિશોરે કહ્યું હતું કે મને જેલમાં નાખી દેશો તો હું ત્યાં પણ મારા ઉપવાસ શરૂ રાખીશ. બાદમાં કોર્ટે ૨૫ હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા પરંતુ પ્રશાંત કિશોરે શરતો સાથે જામીન મેળવવા તૈયાર નહોતા. કોર્ટે તેમને ભવિષ્યમાં આવી કોઇ ભુલ નહીં કરવાની શરત સાથે જામીન મંજૂર કર્યા હતા, પરંતુ પ્રશાંત કિશોરે કહ્યું હતું કે હું માત્ર ધરણા પ્રદર્શન કરી રહ્યો હતો, જો આવી શરતનું પાલન કરીશ તો ધરણા પ્રદર્શન નહી કરી શકું. અંતે ધરપકડના ૧૫ કલાક બાદ સિવિલ કોર્ટે કોઇ પણ પ્રકારની શરત વગર જામીન આપ્યા હતા.
જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પટનાના શેખપુરા હાઉસમાં પીકેએ પ્રેસ કોન્ફરંસ કરી હતી, કોર્ટે અમારી વિનંતી સ્વીકારી અને શરત વગર જામીન આપ્યા. કોઇ પણ ભોગે અમે પાછીપાની નહીં કરીએ, ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારુ આ આંદોલન શરૂ રહેશે. પરીક્ષા રદ કરાવવા માટે અમે અન્ય ન્યાયીક ઉપાયો પર પણ વિચાર કરી રહ્યા છીએ.