પ્રજ્વલ રેવન્નાને છ દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલાયો, પિતા સામે પણ તપાસ ચાલુ
SITએ બેંગલુરુ એરપોર્ટ પરથી મધરાતે ધરપકડ કરી
સ્પેશિયલ કોર્ટ સામે રજૂ કરાતાં છ દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલાયો
કર્ણાટકની જનતા દળ સેક્યુલર એટલે કે જેડીએસ પાર્ટીના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાને સ્પેશિયલ કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. પ્રજ્વલનું નામ સેક્સ સ્કેન્ડલમાં સામે આવ્યું હતું, જેના કેટલાક અશ્લીલ વીડિયો પણ વાઈરલ થયા હતા. જો કે ત્યારબાદ એક યુવકે પણ આરોપ લગાવ્યો હતો કે પ્રજ્વલે તેમની માતાનું શોષણ કર્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ પ્રજ્વલ જર્મની જતો રહ્યો હતો, જેણે એક વીડિયો વાઈરલ કરીને SIT સામે રજૂ થવાની વાત કરી હતી. ત્યારે ગઈકાલે મધરાતે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થતાંની સાથે જ SITએ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરી હતી. આજે પ્રજ્વલને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને 6 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
પ્રજ્વલના પિતા સામે પણ આરોપો લાગ્યા
આ સમગ્ર મામલે પ્રજ્વલના પિતા અને જેડીએસ નેતા એચડી રેવન્ના સામે પણ આરોપો લાગ્યા હતા, જે જેલ ગયા પછી જામીન પર બહાર આવી ચૂક્યા છે. હાલમાં તેમના પર લાગેલા કિડનેપિંગ આરોપોની તપાસ ચાલી રહી છે.
શું છે આ સમ્રગ મામલો?
કર્ણાટકની હાસન લોકસભા સીટ પરથી સાંસદ પ્રજ્વલ રેવન્ના આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે. 26 એપ્રિલે થયેલા બીજા ફેઝના મતદાન પછી તેમના ઘણા અશ્લીલ વીડિયો વાઈરલ થવા લાગ્યા. જેના બાદ પ્રજ્વલ અચાનક ગાયબ થઈને જર્મની પહોંચી ગયો હતો. પ્રજ્વલ અને તેના પિતા એચડી રેવન્ના સામે દાખલ થયેલી એફઆઈઆર બાદ એચડી રેવન્નાની ધરપકડ થઈ હતી, પરંતુ તેઓ કેટલાક દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર બહાર આવી ગયા હતા. હાલ તેમના પર લાગેલા આરોપોની તપાસ ચાલુ છે. જો કે આ બધાની વચ્ચે પ્રજ્વલ તો જર્મનીમાં જ છૂપાયેલો હતો.
પાસપોર્ટ રદ થવાની વાત થતાં જ સામે આવ્યો
પ્રજ્વલની સામે ઈન્ટરપોલે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી હતી. આ દરમિયાન SITએ વિદેશ મંત્રાલય પાસે પ્રજ્વલનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની માગ કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રીએ આ વિશે પીએમ મોદીને બે વાર પત્ર પણ લખ્યો હતો. જેના બાદ વિદેશ મંત્રાલયે પ્રજ્વલને કારણદર્શક નોટિસ પાઠવી ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની વાત કરી હતી. પાસપોર્ટ રદ થવાની નોટિસ મળ્યા પછી પ્રજ્વલે એક વીડિયો જાહેર કરી પોતાના પર લાગેલા તમામ આરોપો ખોટ હોવાની અને પોતે ડિપ્રેશનમાં હોવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જલ્દીથી જ SIT સામે રજૂ થશે, જે હવે ભારત આવી ગયો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે.