રેવન્ના કેસમાં નવો વળાંક, વીડિયોમાં સાંસદ પ્રજ્વલ સાથે દેખાતી મહિલાનું અપહરણ, FIR દાખલ
Prajwal revanna Case | કર્ણાટક સહિત આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા પ્રજ્વલ રેવન્ના કેસમાં નવો વળાંક આવ્યો છે. હસનના સાંસદ સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ શુક્રવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. એક પીડિતાના દીકરાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરાઈ હતી. અહેવાલો અનુસાર વાયરલ વીડિયોમાં રેવન્ના એ મહિલાનું યૌન શોષણ કરતો જોઈ શકાય છે.
દીકરાએ નોંધાવી એફઆઈઆર
દીકરાએ નોંધાવેલી એફઆઈઆર અનુસાર તેની માતાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ગુમ મહિલાના 20 વર્ષના દીકરાએ ગુરુવારે રાતે મૈસૂર જિલ્લાના કે.આર. નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી હતી.
કોઈ રેવન્ના પરિવારનો ઓળખીતો ફોસલાવીને લઈ ગયો
આ ફરિયાદમાં કહેવાયું છે કે, મારી માતાને રેવન્ના પરિવારનો એક ઓળખીતો ફોસલાવીને લઇ ગયો. અપહરણ કરનારની ઓળખ સતીશ બબન્ના તરીકે થઇ હતી. આરોપ છે કે તેણે પ્રજ્વલના પિતા અને જેડીએસ ધારાસભ્ય એચ.ડી. રેવન્નાના કહેવાથી આ મહિલાને પ્રજ્વલ વિરુદ્ધ સાક્ષી આપતા રોકવા આવું કર્યું છે. આ ફરિયાદના આધારે પોલીસે એચ.ડી. રેવન્ના સામે અપહરણનો કેસ દાખલ કર્યો છે.
પીડિત મહિલા રેવન્નાને ત્યાં કામ કરી ચૂકી હતી
એફઆઈઆરમાં એમ કહ્યું છે કે, બબન્નાએ એચ.ડી. રેવન્નાના પત્ની ભવાની રેવન્ના બોલાવે છે એમ કહીને મહિલાને પોતાની સાથે જવા માટે મનાવી હતી. ફરિયાદી અનુસાર તેની માતાએ હોલેનરસીપુરમાં રેવન્નાના ઘરે અને તેના ખેતરમાં 6 વર્ષ સુધી ઘરકામ કર્યું હતું. જો કે તે ત્રણ વર્ષ પહેલા નોકરી છોડી ચૂકી હતી. પછી તે ગામડે આવી ગઇ હતી અને મજૂરી કરતી હતી.
હોબાળા બાદ કર્ણાટકના મુખ્યમંત્રીએ એસઆઈટી રચી હતી
આ સેક્સ કૌભાંડને પગલે આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. બાદમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હસન લોકસભા બેઠક પરથી ભાજપ અને જેડીએસ (JDS) ના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સાથે સંકળાયેલા આ કૌભાંડની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પ્રજ્વલ રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો સામે આવ્યા બાદ મહિલા આયોગના અધ્યક્ષે સરકારને પત્ર લખીને આ મામલામાં SITની રચના કરવાની માંગ કરી હતી. આ દરમિયાન સિદ્ધારમૈયાએ 27 એપ્રિલે SIT રચવાનો આદેશ આપ્યો હતો.