દુષ્કર્મના આરોપી સાંસદ રેવન્નાની તુલના શ્રીકૃષ્ણ સાથે કરાતાં વિવાદ, કર્ણાટકના મંત્રીની ચોરકોર ટીકા
Lok Sabha Elections 2024 | કર્ણાટકના જેડીએસ સાંસદ તથા દુષ્કર્મના આરોપી પ્રજવ્વલ રેવન્ના (Prajwal Revanna) સેક્સ સ્કેન્ડલ કેસ પર દેશમાં પહેલાથી રાજકીય ઘમસાણની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ મામલો સામે આવ્યા બાદ રેવન્ના વિદેશ ભાગી ગયો હતો. આ દરમિયાન કર્ણાટકના એક મંત્રીએ તેની તુલના ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરતાં નવો વિવાદ છંછેડાયો છે.
કર્ણાટકના મંત્રી શું બોલ્યાં...?
કર્ણાટકમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારમાં આબકારી મંત્રી રામપ્પા તિમ્માપુર (Ramappa Timmapur) એ વિજયપુરામાં એક સભાને સંબોધતાં કહ્યું હતું કે જેમ કે એમ.બી.પાટિલ કહે છે કે આ પેનડ્રાઈવના મામલાથી ખરાબ કંઈ જ નથી. તેનાથી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ શકે છે. ભગવાન શ્રીકૃષ્ણ મહિલાઓ સાથે ભક્તિભાવ સાથે રહેતા હતા પણ પ્રજવ્વલ મામલે એવું નથી. મને લાગે છે કે તે એ રેકોર્ડ તોડવા માગે છે.
ભાજપ ભડક્યો
તિમ્માપુરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પર ભાજપ ભડક્યો અને મંત્રીના રાજીનામાની માગ કરી દીધી. ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી સી.ટી.રવિએ કહ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રીએ ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું છે. હવે સરકાર આ મંત્રીને તાત્કાલિક કેબિનેટથી હટાવે. જો આવું નહીં કરે તો અમે તેમની સાથે દેખાવો કરીશું.
કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
જોકે આ વાયરલ વીડિયો પર કોંગ્રેસે કહ્યું કે પાર્ટીને આ નિવેદનથી કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે અમે આ નિવેદનની આકરી ટીકા કરીએ છીએ. પાર્ટીનું આ સત્તાવાર વલણ નથી. રેવન્ના એક શૈતાન છે. ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ વડાપ્રધાનના પ્રપૌત્ર અને સાંસદ રેવન્ના સામે 300થી વધુ મહિલાઓએ જાતીય શોષણનો આરોપ મૂક્યો છે અને તેમના વીડિયો પણ બનાવી લેવાયા હતા. આ મામલે તે ફરાર છે. તપાસ પણ ચાલી રહી છે.