સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાના પિતાની ધરપકડ, દીકરો હજુ ફરાર, SITની કાર્યવાહી
Prajwal Revanna Case | કર્ણાટકમાં દેશના સૌથી મોટા કથિત સેક્સ કૌભાંડમાં સપડાયેલા એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ વધવાની છે. આ કેસમાં સિદ્ધારમૈયા સરકારે બનાવેલી એસઆઈટીએ શનિવારે એચડી રેવન્નાની ધરપકડ કરી હતી જ્યારે પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પાઠવી હતી. હવે સીબીઆઈએ ઈન્ટરપોલને પ્રજ્વલ વિરુદ્ધ બ્લૂ નોટિસ પાઠવવા વિનંતી કરી છે.
પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના પર કર્ણાટકમાં સેંકડો મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકાયેલો છે. આ કેસમાં કર્ણાટક પોલીસની એસઆઈટીએ જેડીએસ નેતા એચડી રેવન્નાની ધરપકડ કરી છે. પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ કરનાર પીડિત મહિલાના અપહરણના કેસમાં એચડી રેવન્નાની પૂછપરછ કરાઈ રહી છે. ગુરુવારે મૈસૂરમાં એક મહિલાના અપહરણના આરોપમાં આ કેસ નોંધાયો હતો. મહિલાએ કેસ નોંધાવ્યા પછી પોલીસે રેવન્નાના વિશ્વાસુ સતીષ બબન્નાની ધરપકડ કરી હતી. હવે એસઆઈટી દ્વારા બે વખત નોટિસ અપાયા પછી પણ હાજર નહીં થવા બદલ રેવન્નાની ધરપકડ કરાઈ છે.
રાજુ એચડી નામના યુવાને કેઆર નગર પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં તેણે કહ્યું હતું કે તેની માતા છ વર્ષથી એચડી રેવન્નાના ઘર અને ફાર્મહાઉસમાં કામ કરતી હતી, પરંતુ ત્રણ વર્ષ પહેલા એ લોકો કામ છોડીને તેમના ગામમાં મજૂરી કરવા લાગ્યા. થોડાક દિવસ પહેલા તેમનો એક પરિચિત સતીશ આવ્યો અને તેની માતાને લઈને જતો રહ્યો અને થોડા દિવસ પછી પાછો લઈ આવ્યો હતો. જોકે, ૨૯ એપ્રિલે સતીશ ફરી તેમના ઘરે આવ્યો હતો અને રેવન્નાએ તેમને લાવવાનું કહ્યું છે તેમ કહેતાં તેની માતાને બળજબરીથી લઈ ગયો હતો. આ સમયે પોલીસ તેમને શોધી રહી હતી.
આ કેસમાં ધરપકડથી બચવા માટે એચડી રેવન્નાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેની અરજી શનિવારે નકારી કાઢી હતી. જનપ્રતિનિધિ કોર્ટના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટની બેન્ચે અરજી ફગાવતા આગામી સુનાવણી માટે ૬ મેની તારીખ આપી હતી.
દરમિયાન કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે શનિવારે કહ્યું કે, એસઆઈટીએ હોલેનરાસીપુરથી જેડીએસના ધારાસભ્ય એચડી રેવન્ના અને હાસનથી સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ લૂકઆઉટ નોટીસ બહાર પાડી છે. બંને આરોપીઓ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધાઈ છે. એસઆઈટીએ પ્રજ્વલને તેની સમક્ષ હાજર થવા માટે બીજી નોટિસ પાઠવી હતી, જેનો સમય શનિવાર સાંજે પૂરો થયો હતો. કર્ણાટક સરકારે કહ્યું હતું કે, સીબીઆઈ હાસનના જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લ્યુ કોર્નર નોટિસ જાહેર કરે તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ પોલીસ દ્વારા આ નોટિસ જાહેર થયા પછી પ્રજ્વલ અંગે વધુ માહિતી મળે તેવી શક્યતા છે.