વહેલી સવારે અજાનથી લોકોની ઉંઘ ખરાબ થાય છે, દર્દીઓ હેરાન થાય છેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
નવી દિલ્હી,તા.10.નવેમ્બર,2021
મધ્યપ્રદેશના ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનનો કારણે અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે.
પ્રજ્ઞા ઠાકુરે ફરી એવુ નિવેદન આપ્ય છે જેના કારણે તેમની તરફ બધાનુ ધ્યાન ખેંચાયુ છે.તેમનુ કહેવુ છે કે, અજાનના કારણે સવાર-સવારમાં લોકોની ઉંઘ ખરાબ થાય છે.દર્દીઓ પરેશાન થાય છે અને સાધુ સંતોની સાધનામાં પણ ભંગ પડે છે.
તેમણે એક કાર્યક્રમમાં આ વાત કરતા કહ્યુ હતુ કે, અમને કહેવામાં આવતુ હોય છે કે બીજા સમુદાયની પ્રાર્થનાના સમય વખતે મોટા અવાજે ભજન ના વગાડવુ જોઈએ પણ આ લોકો રોજ સવારે લાઉડ સ્પીકરથી લોકોને પરેશાન કરે છે, સવારે પાંચ વાગ્યે કેટલીક મિનિટો માટે મોટા અવાજ આવે છે અને લોકોની ઉંઘ હરામ થઈ જાય છે.સવારે આરતીનો સમય પણ હોય છે પણ લાઉડસ્પીકર પર ના છૂટકે બીજા સમુદાયનો અવાજ સાંભળવો પડે છે.અમે જ્યારે મોટા અવાજે ભજન વગાડીએ છે ત્યારે એ લોકો વાંધો ઉઠાવે છે કે અમારા ધર્મમાં આવુ યોગ્ય નથી.અમે હિન્દુઓ સર્વ ધર્મ સમભાવમાં માનીએ છે પણ બીજો કોઈ ધર્મ આવુ કરે છે ખરુ?
તેમણે આ પહેલા એક કાર્યક્રમમાં ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, પરિવારનો એક વ્યક્તિ રાજકારણમાં આગળ આવી શકતો નથી તો હવે પરિવારની પુત્રીને પણ રાજકારણમાં લાવવામાં આવી છે અને હાલમાં તે નોટંકી કરી રહી છે.કોંગ્રેસમાં કોઈ સક્ષમ નેતા નથી અને એક જ પરિવાર આ પાર્ટીનુ નેતૃત્વ કરી શકે છે.પરિવારની પુત્રી ક્યારેક મંદીર જાય તો ક્યારેક મસ્જિદ જાય છે અને ક્યારેક ખ્રિસ્તી બની જાય છે.વોટ માટે તેઓ ગમે તે દેખાડો કરી શકે છે.
વાલ્મિકિ સમાજના કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે બોલતા કહ્યુ હતુ કે, મહર્ષિ વાલ્મિકિ અમારા ભગવાન છે પણ કોંગ્રેસે ક્યારેય તેમને ભગવાન માન્યા નથી.