તેલંગાણાનાં સિદ્દીકી પેટમાં ચૂંટણી પ્રચાર પર નીકળેલા પ્રભાકર રેડ્ડી ઉપર ચાકુથી હુમલો

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
તેલંગાણાનાં સિદ્દીકી પેટમાં ચૂંટણી પ્રચાર પર નીકળેલા પ્રભાકર રેડ્ડી ઉપર ચાકુથી હુમલો 1 - image


- આવી ઘટનાઓ લોકતંત્ર પર કલંક સમાન છે : રાજ્યપાલ

- હુમલાખોર ડી. રાજુને લોકોએ તુર્ત જ પકડી પોલીસને સોંપી દીધો : પ્રભાકર રેડ્ડીને હોસ્પિટલમાં દાખલ કરાયા

હૈદરાબાદ : તેલંગાણામાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા કે.સી.આર.ની પાર્ટીમાં ભારત- રાષ્ટ્ર સમિતિના સાંસદ કે. પ્રભાકર રેડ્ડી ઉપર એક શખ્સે ચાકુથી હુમલો કર્યો હતો. સિદ્દીકી પેટમાં બી.આર.એસ.ના સાંસદ ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે તેમના પેટમાં જમણી બાજુએ એક શખ્સે ચાકુથી ઘા કર્યો પરંતુ લોકોએ તેને તુર્ત જ પકડી પહેલા તેને લમધાર્યો, પછી તેને પોલીસને સોંપી દીધો. પ્રભાકર રેડ્ડીને તુર્ત જ તેઓની જ મોટરમાં બેસાડીને ગજવેલ હોસ્પિટલમાં દાખલ કરાયા.

ચાકુ મારનાર શખ્સ યુ ટયુબની એક ચેનલ માટે રિપોર્ટિંગ કરે છે તેમ તેમણે પોલીસને જણાવ્યું હતું. 

આ ઘટના પછી ગજવેલ હોસ્પિટલમાં તેમને તાત્કાલિક સારવાર આપી હૈદરાબાદની કોર્પોરેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીઆરએસના એક નેતાએ તે પછી પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રભાકર રેડ્ડીની  સ્થિતિ હવે સ્થિર થઈ જ રહી છે.

આ સમાચાર જાણી તુર્ત જ હૈદરાબાદની તે હોસ્પિટલ પર રાજ્યના વિત્ત મંત્રીએ કહ્યું કે, પાર્ટી આ બાબતને બહુ ગંભીરતાથી લે છે અને તે પણ જાણવા પ્રયત્ન કરાશે કે આ ઘટના પાછળ કોઈ સાજીશ છે કે કેમ ?

તેલંગણાના રાજ્યપાલ ટી.સૌંદર્યરાજનને આ માહિતી મળતા તેઓએ તે ઘટના અંગે ચિંતા દર્શાવી હતી અને કહ્યું હતું કે, આવી ઘટનાઓ લોકતંત્ર ઉપરનાં કલંક સમાન છે.

આ ઘટનાનો ઉલ્લેખ કરતાં નિરીક્ષકો કહે છે કે, વિધાનસભાની ચૂંટણીમાં પણ જો આવી હિંસક ઘટનાઓ બને તો પછી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં તો શું નું શું થઈ શકે. કેટલાક નિરીક્ષકો ત્યા સુધી કહે છે કે હજી આપણે લોકતંત્ર સાચા અર્થમાં પચાવી જ શક્યા નથી.


Google NewsGoogle News