દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ થઈ, અનેક ફ્લાઈટ્ લેટ
- ઈન્દિરા ગાંધી એરપોર્ટનું ટર્મિનલ-૩ પ્રભાવિત થયું,મુસાફરો અટવાયા
- કેટલાય પેસેન્જર્સે સોશિયલ મીડિયા સાઈટ પર બળાપો કાઢયો પાવર કટ બાદ સિસ્ટમ રિસ્ટાર્ટ થવામાં સમય લાગ્યો
નવી દિલ્હી: દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બપોરે થોડી મિનિટો સુધી પાવર કટને કારણે મુસાફરોએ પરેશાનીનો સામનો કર્યો હતો. વીજળી ઠપ્પ થતાં ચેક ઈનથી લઈને બોર્ડિંગ સુધીની તમામ કામગીરી પ્રભાવિત થઈ હતી. જળ સંકટનો સામનો કરી રહેલી રાજધાનીના એરપોર્ટ પર અચાનક વીજળી જતાં મુસાફરોની સાથે એરલાઈન્સ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં.
દિલ્હી એરપોર્ટ પર પાવર કટ દરમિયાન એર કંડિશનર, ઈ-ગેટ અને સામાનની અવરજવર બંધ થઈ હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા સાઈટ્સ પર કેટલાંક મુસાફરોએ પોતાની હતાશા વ્યકત કરી હતી. કેટલાકે અહેવાલ આપ્યો હતો કે, ટર્મિનલ-૩ની કામગીરીને અસર પહોંચી હતી. ભારે ગરમી વચ્ચે બોર્ડિંગ અને ચેક ઈન સેવાઓ પ્રભાવિત થતાં ભીડ અને અરાજકતા સર્જાઈ હતી.
મુસાફરોએ પોતાની હૈયાવરણ ઠાલવતા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર લખ્યું હતું કે, પાવર કટના કારણે ડીજી યાત્રા બંધ થઈ ગયું હતું. એક યુઝરે કહ્યું કે, પાવર કટના કારણે ટી-૩ ટર્મિનલ ઠપ્પ થઈ ગયું છે. કોઈ કાઉન્ટર કામ નથી કરી રહ્યું. ડિજિટલ યાત્રાની સાથે અન્ય કામકાજ પણ બંધ છે. એરપોર્ટ પર વીજળી ઠપ્પ થયા બાદ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. તેને ફરી રિસ્ટાર્ટ થવામાં ઘણો સમય લાગ્યો હતો.
પાવર કટનું કારણ સ્પષ્ટ થયું નહતું. દિલ્હી એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ છે. જેમાં, ટર્મિનલ ૧ અને ૨નો ઉપયોગ ઘરેલુ ફ્લાઈટ્સ માટે થાય છે. જ્યારે, ટર્મિનલ ૩નો ઉપયોગ આતંરરાષ્ટ્રીય અને ઘરેલું એમ બંને ફ્લાઈટ્સ માટે થાય છે. દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દિવસની લગભગ ૧,૫૦૦ ફલાઈટ્સને મેનેજ કરે છે.
- દિલ્હી-બંગાળ ફ્લાઈટ ભારે ગરમીના કારણે ૩ કલાક મોડી
નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-પશ્ચિમ બંગાળની ઈન્ડિંગો ફ્લાઈટ ત્રણ કલાક મોડી પડી હતી. એરક્રાફ્ટને ટાર્મેક પર પાર્ક કરવામાં આવ્યું હતું અને ઈન્ડિગો ક્રૂએ કહ્યું કે, ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. જેના કારણે વિલંભ થયો છે. ફ્લાઈટ બપોરે ૨ઃ૧૦ વાગ્યે ઉપડવાની હતી અને સાંજે ૪ઃ૧૦ વાગ્યે લેન્ડ થવાની હતી. પરંતુ, ફ્લાઈટ નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડી સાંજે ૫ઃ૫૧ વાગ્યે ઉપડી હતી.ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, ભારે ગરમીના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી.